October 5, 2024

ધોધમાર વરસાદ બાદ અમરેલીના સૂરવો અને ખોડીયાર ડેમ છલકાયા

અમરેલી: છેલ્લા કેટલાય દિવસોથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે, અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. તો ભારે વરસાદને કારણે જિલ્લાના લગભગ તમામ ડેમ છલકાઈ ગયા છે તેમાં પણ વડીયા પંથકનો સૂરવો ડેમ અને ધારીનો ખોડિયાર ડેમ છલકાઈ જતાં ખેડૂતોમાં ખુશીનો લહેર છવાઈ ગઈ છે.

વાડિયા પંથકમાં 2 ઇંચ વરસાદ
છેલ્લા કેટલાય દિવસોથી વડીયા પંથકમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જેમાં આજે થયેલા 2 ઇંચ વરસાદને પગલે પંથક માટે મહત્વનો ગણાતો ડેમ છલકાઈ ગયો છે. વડીયા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે વડીયાનો સૂરવો ડેમ છલકાયો છે. વડીયા સુરવો ડેમ છલકાઈ જતાં ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો દરવાજો ખોલતા સુરવો નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. આજે સમગ્ર દિવસ દરમ્યાન 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે.

ધારીનો ખોડીયાર ડેમ ફરી છલકાયો
તો, વાડિયા પંથકની સાથે ધારી પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ થયો છે. ધારી જંગલ વિસ્તારોમાં વરસાદને કારણે ખોડીયાર ડેમ ઓવરફલો થયો છે. ખોડીયાર ડેમ ઓવરફલો થતા ડેમનો 1 દરવાજો 0.229 મીટર ખોલવામાં આવ્યો હતો. ખોડીયાર ડેમનો દરવાજો ખોલવામાં આવતા ડેમ નીચે આવતા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તો, ઘારી, બગસરા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. 46 ગામોને નદીના પટમાં અવરજવર ન કરવાની તંત્ર દ્વારા સુચના પણ આપવામાં આવી છે.