October 16, 2024

અમદાવાદ: કચરાના ડબ્બામાં નવજાત બાળકી મળવા મામલે હર્ષ સંઘવીએ કર્યું ટ્વીટ

અમદાવાદ: અમદાવાદના નરોડા બસ સ્ટેન્ડ નજીક કચરાના ડબ્બામાંથી ગઈકાલે શનિવારે સાંજે નવજાત બાળકી મળી આવી હતી. કચરાના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવતા શહેરમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે. નવજાત બાળકીને જોઈ અજાણ્યા વ્યક્તિએ 108ટીમને કોલ કરી આ વિશે જાણ કરી હતી, જે બાદ 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકીને સારવાર આપી બચાવી હતી. જેની એક તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એમ્બ્યુલન્સ ટીમ દ્વારા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘X’ પર ટ્વીટ કરી 108ની ટીમની કામગીરી બિરદાવી છે. હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે,”પાપ, ઘેલછા, નિષ્કાળજી અને કૃરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી. 108 માત્ર નંબર નહીં, સેવા માનવતાનો વાહક પણ છે. શનિવાર સાંજે 5:50 કલાકે 108 ની કચેરીમાં એક ફોન રણકે છે… ફોન કરનાર કહે છે કે,’નરોડા બસ સ્ટેન્ડના કચરાના ડબ્બામાં એક નવજાત બાળકી મળી છે.’

બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા માટે તત્પર એવી 108નું તંત્ર તરત જ હરકતમાં આવે છે અને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ નરોડા બસ સ્ટેન્ડ પહોંચીને તુરંત બાળકને સિવિલ કેમ્પસમાં 1200 બેડની હોસ્પિટલમાં દાખલ કરાય છે, છેલ્લી માહિતી પ્રમાણે હાલ આ બાળકી સ્વસ્થ છે.આજે ફરી રાજ્યની જીવાદોરી સમાન ગણાતી 108 એમ્બ્યુલન્સ દ્વારા જીવ બચાવવાનું મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સલામ છે, આ સેવાને અને સેવા વાહકોને…”

આ પણ વાંચો: PM મોદી સાથે ચર્ચા કરવા માગે છે બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ, ભારતે ન આપ્યો કોઈ જવાબ

ઉલ્લેખનિય છે કે, આજે મહેસાણાના રેલ્વે સ્ટેશન પર તરછોડેલી બાળકી મળી આવતા હોમગાર્ડ મહિલાએ માતાની હુંફ આપી હતી. રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી 9 માસની બાળકી મળી આવી હતી. બાળકીને હોમગાર્ડ મહિલા દ્વારા માતાની હુંફ આપવામાં આવી હતી. 9 માસની બાળકીની માતા બની હોમગાર્ડ મહિલા દ્વારા બાળકીને સારવારમાં પણ ખસેડવામાં આવી હતી.