વર્લ્ડ કપના વીરનું વતનમાં ‘હાર્દિક’ સ્વાગત, રોડ-શોમાં લાખો લોકો જોડાયાં

Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં T20 વર્લ્ડ કપ-2024નું ટાઇટલ જીતી લીધું છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયાનું દેશમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જીત બાદ ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવી હતી. આ સમયે રસ્તાઓ પર લાખોની સંખ્યામાં ભારે ભીડ જોવા મળી હતી. ફરી વાર વડોદરામાં આવી જ ભીડ જોવા મળી હતી.

લાખો લોકોએ સ્વાગત કર્યું
વર્લ્ડ કપ જીતીને પંડ્યા હવે પોતાના વતન વડોદરામાં આવ્યા હતા. રસ્તાઓ ઉપર લોકોની ભીડ જોવા મળી. પંડ્યાના સ્વાગત માટે અંદાજે 3.5 લાખ લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પંડ્યા ખુલ્લી બસમાં સવાર હતા અને તેમના હાથમાં દેશનો ત્રિરંગો જોવા મળી રહ્યો હતો. બરોડાની જનતાએ પોતાના પુત્ર હાર્દિકનું ખુબ પ્રેમથી સ્વાગત કર્યું હતું. બરોડાના લોકોએ 5.5 કિલોમીટર સુધી ખુલ્લી બસમાં પંડ્યાનું સ્વાગત કર્યું હતું. હાર્દિક પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: CPL 2024 માટે તમામ ટીમની જાહેરાત, આ અમેરિકન ખેલાડીને મળી તક

પંડ્યાનું પ્રદર્શન
પંડ્યાએ ટી-20 વર્લ્ડ કપમાં લગભગ દરેક મેચમાં પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું છે. પંડ્યાએ આઠ મેચમાં 144 રન બનાવ્યા હતા અને એક મેચમાં અડધી સદી ફટકારી હતી. પંડ્યાએ પણ પોતાની બોલિંગથી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત શર્માએ આ વર્લ્ડ કપ પછી T20 ક્રિકેટને અલવિદા કહી દીધું. તેના સ્થાને પંડ્યાને ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.