ધાબળાં-સ્વેટર તૈયાર રાખજો, હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી
અમદાવાદઃ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગામી 4 દિવસ સુધી ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધવાની શક્યતા છે.
દેશની રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે દિલ્હીના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. દિલ્હી સહિત NCRમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કર્તવ્ય પથ, ઇન્દ્રપ્રસ્થ માર્ગ, મંડી હાઉસ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.
તો બીજી તરફ, સમગ્ર ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. કચ્છભરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ગત રાતથી ઝાકળભર્યું વાતાવરણ છવાયું છે. ત્યારે અમદાવાદ – કચ્છ નેશનલ હાઈવે પર પણ ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે, આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. આગામી 2 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 2 દિવસ બાદ તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું છે. રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર ગણાતા ડીસામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર પશ્ચિમીય પવનો ફૂંકાતા લેન્ડ ફોલની પ્રક્રિયા પશ્ચિમ પ્રદેશોમાં થશે.’