ગરમી વઘતા ઝાડા-ઉલ્ટી, હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસમાં વધારો
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે ઝાડા-ઉલટીના કેસ સહિત હિટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, ગરમીનો પારો વધતા ઝાડા-ઉલટીનાં કેસમાં 23%નો વધારો નોંધાયો છે. જ્યારે હિટ સ્ટ્રોકના કેસમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે હિટ સ્ટ્રોકથી લઈને ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો નોંધાયો છે. ગત માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના 5009 કેસો સામે આવ્યા હતા. જે વધીને માર્ચ 2024 માં 6176 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ 1951ની લોકસભા ચૂંટણીમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને બોમ્બે રાજ્યમાં કઈ બેઠક પર કોણ જીત્યું?
બીજી તરફ લૂ લાગવાના કેસમાં પણ આંશિક વધારો જોવા મળ્યો છે. તેના કેસ વધીને 11.11 ટકાએ પહોંચ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 15 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
માથાના દુઃખાવાના કેસમાં પણ વધારો નોંધાયો છે. ગત માર્ચ મહિનામાં માથાના દુઃખાવાના 472 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે વધીને માર્ચ 2024માં 570 કેસ એટલે કે 20.76% વધારો નોંધાયો છે. પેટના દુખાવામાં પણ વધારો નોંધાયો છે પેટના દુઃખાવાના ગત માર્ચમાં 7836 કેસ હતા જે 2024 માં વધીને 8674 કેસ સામે આવ્યા છે.. ગરમીથી બચવા માટે ડોકટર દ્વારા બપોર નાં સમયે બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.