September 20, 2024

ભારેથી અતિભારે વરસાદની આગાહી, અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદ પડશે

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આગામી એક અઠવાડિયા સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે ભારેથી અતિભારે વરસાદ વરશે તેવી શક્યતા છે.’

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘આજે નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે દાહોદ, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહિસાગર, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.’

ગુજરાતના 78 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં વિધિવત્ રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી છે. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ગુજરાતીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. સૌથી તાપીના કુંકરમુંડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ તાપીના વ્યારામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ, છોટા ઉદેપુરના બોડેલીમાં, તાપીના નિઝરમાં, નર્મદાના સાગબારામાં, વલસાડના વાપીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. છોટા ઉદેપુરના નસવાડી, પંચમહાલના હાલોલમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના ઉમરગામ, ભરૂચના વાલીયા, સુરત શહેર, સુરતના મહુવા, માંગરોળમાં અને વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.