December 11, 2024

કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું છેલ્લા બે દિવસથી જોર ઘટ્યું છે. પરંતુ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઈંચથી વધુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અન્ય તમામ જિલ્લામાં સરેરાશ એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ વરસ્યો હતો.

તાલુકાની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં 8 ઈંચથી વધુ, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 7 ઈંચથી વધુ, કચ્છના અબડાસા તાલુકામાં 6 ઈંચથી વધુ તેમજ અંજાર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છના ગાંધીધામ, ભુજ અને લખપત તાલુકામાં 2-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત કચ્છના નખત્રાણા અને ભચાઉ, જૂનાગઢના ભેંસાણ, રાજકોટના લોધિકા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જામનગરના જોડીયા, સુરેન્દ્રનગરના ચુડા અને ચોટીલા, અમદાવાદના ધોલેરા, બનાસકાંઠાના દાંતીવાડા, અરવલ્લીના ભિલોડા, નવસારીના ચીખલી, સાબરકાંઠાના પોશીના અને ડાંગના સુબિર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યના આશરે 200 તાલુકામાં એકથી ઓછો વરસાદ વરસ્યો હતો. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 222 તાલુકામાં સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ અનુસાર આજે તારીખ 30મી ઓગસ્ટ, 2024એ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 177 ટકા કરતાં પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ તો ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 87 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.