October 5, 2024

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 6 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, ભરુચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તાપી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

કીમ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી ગાંડીતુર બની છે. કીમ-કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માર્ગ નજીકની સોસાયટીઓમાં કીમ નદીના પાણી ભરાયા છે. ગત રાત્રે કીમ નદીના જળસ્તર વધતા લોકો ભયમાં મૂકાયા હતા. વરસાદે વિરામ લેતા કીમ નદીના પાણીમાં ઘટાડો થતા હાશકારો લીધો છે. તંત્ર અને સ્થાનિકોએ હાશકારો લીધો છે.

સુરત -ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદીમાં પૂર આવ્યા છે. ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ બેટમાં ફેરવાયું છે. કઠોદરા ગામની સીમમાં શિવ સાંઈ સોસાયટી બેટમાં ફેરવાયું છે. રાતથી શિવ સાંઈ સોસાયટીમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. સોસાયટીમાં જવાના રસ્તા બંધ થતા રહીશો ચિંતામાં મુકાયા છે. સ્થાનિક તંત્ર મદદ માટે પહોંચી તેવી સ્થાનિકોએ માગ કરી છે.