October 13, 2024

હાઇકોર્ટનો ટ્રાફિક પોલીસને આદેશ – 15 દિવસમાં જ હેલમેટના નિયમનું પાલન કરાવો

જયેશ ચૌહાણ, અમદાવાદઃ શહેરના પાંજરાપોળ સર્કલ પર AMC દ્વારા ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે નિર્ણયને પડકારતી એક જાહેરહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ જાહેરહિતની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ અંગે પણ ચર્ચા થઈ હતી.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ટકોર કરતા કહ્યું હતું કે, ‘હું જોઉં છું કે અમદાવાદમાં ટુ વ્હીલર ચલાવનારા કોઈ હેલ્મેટ પહેરતાં જ નથી. એવું લાગે છે કે ગુજરાતમાં હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ જ નહીં થતું હોય. અમદાવાદમાં દિવસે તો એટલો ટ્રાફિક હોય છે પરંતુ બોડકદેવ જેવા વિસ્તારમાં રાત્રે 3 વાગ્યા સુધી બોમ્બે જેવો ટ્રાફિક હોય છે છતાં શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું નથી. અમદાવાદમાં ખૂબ જ વધુ સંખ્યામાં અકસ્માતો થઈ રહ્યા છે.’

SG હાઇવેનાં બ્રિજનાં પ્લાનિંગમાં ખામી
સુનાવણી દરમિયાન અરજદારે એ મુદ્દો પણ ટાંક્યો હતો કે SG હાઇવે નેશનલ હાઇવે પણ છે, ત્યારે SG હાઇવે પરના બ્રિજનાં એન્ટ્રી અને એક્સિટ પોઇન્ટ છે તેના પ્લાનિંગમાં પણ ખામીઓ છે જેથી ગંભીર અકસ્માતોના જોખમું કારણ બને તેમ છે. એવામાં પણ લોકો રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરી રહ્યા છે જે મોટું જોખમ છે.. વૈષ્ણોદેવીથી ગોતા તરફ આવતા એક પણ ક્રોસિંગ રાહદારીઓ માટે કે વાહનચાલકો માટે આપવામાં નથી આવ્યું. આ રોડ પર નિરમા યુનિવર્સિટી જેવી કોલેજ આવેલી છે, જેના વિદ્યાર્થીઓ પણ રોંગ સાઈડમાં વાહન ચલાવે છે અને પરિણામે અકસ્માતો થાય છે. SG હાઇવે પરથી શહેરમાં પ્રવેશવું હોય તો તમામ જંક્શન પર 90 ડિગ્રી ટર્ન આપવામાં આવ્યો છે.

ઇસ્કોન બ્રિજ પર સરકારી બસોનું પાર્કિંગ
અરજદાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ એ વાત પણ રજૂ કરવામાં આવી હતી કે, ઇસ્કોન સર્કલ પર બ્રિજની નજીક આવેલા સાંકડા રોડ પર AMTS-GSRTC બસનું પાર્કિંગ કરવામાં આવે છે. સાંકડા રોડ પર કે જ્યાં વાહનની સતત મૂવમેન્ટ રહે છે ત્યાં રોડની સાઈડમાં જ GSRTCનું ટિકિટ કાઉન્ટર પણ રાખવામાં આવ્યું છે.

હાઇકોર્ટની ટ્રાફિક પોલીસને પણ ટકોર
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ટ્રાફિક પોલીસની કામગીરી અંગે ટકોર કરતા કહ્યું હતું કે, જ્યારે મારો કાફલો પસાર થતો હોય છે ત્યારે હું જોઉં છું કે કેટલાક લોકો રસ્તા પર સિવિલ ડ્રેસમાં લાકડાની નાની દંડી લઈને ઊભા હોય છે. બાદમાં જાણવા મળ્યું કે ટ્રાફિક પોલીસ દૈનિક વેતન પર આવા લોકોને નોકરી પર રાખે છે જે ટ્રાફિક મેનેજમેન્ટ કરે છે.

ચીફ જસ્ટિસે ટ્રાફિક પોલીસના મહેકમની અછત હોવાની વાત કરતા ટ્રાફિક પોલીસની કામગીરી અંગે કહ્યું હતું કે, આંકડાઓ આવતા હોય છે કે પોલીસે આટલા ચલણ ઈશ્યૂ કર્યા પણ જે શહેરમાં કોઈ હેલ્મેટ જ નથી પહેરતા. ત્યાં દંડ કરવાથી દંડનો હેતુ શું રહેશે. ટ્રાફિક પોલીસને સવારે એવું લાગે કે આજે પકડીશું ત્યારે કાર્યવાહી કરી દંડ ફટકારે છે અને બાદમાં સાંજે થાકી જાય છે અને ફરી પાછા એક દિવસ સવારે ઊઠે છે અને કાર્યવાહી કરે છે.

બ્રિજ બનાવવાનો નિર્ણય કોણ કરે છે
પાંજરાપોળ ઓવરબ્રિજ બનાવવા સામે થયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટે AMCના વકીલને સવાલ કર્યો હતો કે, શહેરમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવા માટેની પ્રક્રિયા શું છે અને બ્રીજનો નિર્ણય કોણ કરે છે એ જણાવો. AMCના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પાંજરાપોળ જંકશન પર BRTS કોરિડોર અને સતત ટ્રાફિક મૂવમેન્ટ રહેતી હોવાથી ત્યાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટ 4 મુદ્દા પર સુનાવણી કરશે
પાંજરાપોળ બ્રિજ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીને સુનાવણી માટે હાઈકોર્ટે 2 ભાગમાં વહેંચી છે, જેમાં એક ભાગમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને ખાલી પડેલી જગ્યાઓ જ્યારે બીજા ભાગમાં નેશનલ હાઇવે પરના એન્ટ્રી-એક્સિટ પોઇન્ટની ડિઝાઈન અને બ્રિજ બનાવવા માટેના લેવાતા નિર્ણયની પ્રક્રિયા. ગુજરાત હાઇકોર્ટે 15 દિવસમાં ફરજિયાત હેલ્મેટના નિયમની અમલવારી કરાવવા અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટ 15 દિવસ બાદની સ્થિતિને આધારે આગામી નિર્દેશ આપશે.