September 11, 2024

ભારે વરસાદથી રાજ્યના 41 માર્ગો બંધ, 6 સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ છે.

ભારે વરસાદના કારણે રાજ્યના ઘણાં રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો કેટલાક રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યના 6 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢમાં 2 અને પોરબંદરમાં 2 સ્ટેટ હાઇવે બંધ કર્યા છે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદામાં પણ 1-1 સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે.

આ ઉપરાંત રાજ્યમાં કુલ 10 અન્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢમાં 4, પોરબંદરમાં 3 અને છોટા ઉદેપુર-રાજકોટમાં 1-1 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. પંચાયતના કુલ 25 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી વધુ માર્ગ પોરબંદરમાં બંધ કરવામાં આવ્યા છે. અંદાજે 25 જેટલા રસ્તા ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે.

ત્યારબાદ જૂનાગઢમાં 6, અમરેલીમાં 1, ભાવનગરમાં 1, જામનગરમાં 2, રાજકોટમાં 2, નવસારીમાં 1 માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આમ, રાજ્યમાં સ્ટેટ હાઇવે, અન્ય માર્ગ સહિત પંચાયત માર્ગ ગણીને કુલ 41 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.