રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદને પગલે રાજ્યના 6 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.
બીજી તરફ, કચ્છ, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ સુરતના પલસાણામાં 10 ઇંચ અને નવસારીના ખેરગામમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જુનાગઢના વિસાવદરમાં 8.5 ઇંચ, સુરતના કામરેજ અને બારડોલીમાં 8 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 7.5 ઇંચ, ડાંગના વઘઈમાં 7.5 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં 7 ઇંચ વરસાદ, સુરતના માંગરોળમાં 6.5 ઇંચ વરસાદ, નવસારી શહેરમાં 6.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે.