October 13, 2024

છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના વાલિયામાં પોણા 12 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 130 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 53 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 25 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં પોણા 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. માંગરોળ અને વઘઈમાં પોણા 8 ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચમાં સવા 7 ઈંચ, તીલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 7 ઈંચ અને ડોલવણમાં પોણા 7 ઈંચ વરસાદ પડ્યો છે.

વલસાડમાં ધોધમાર વરસાદ
વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના બંને રેલવે અંડરપાસ બંધ થયા છે. શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતો મોગરાવાડી અંડરપાસ બંધ થયો તો છીપવાડ ખાતે આવેલો 40 ગામને જોડતો મુખ્ય અંડરપાસ પણ બંઝ થયો છે. બંને મુખ્ય અંડરપાસ બંધ થતા શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગના લોકો અટવાયા હતા. લોકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી શહેરમાં અને શહેરથી બહાર કામ અર્થે નીકળ્યા હતા.

પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ
નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી. ત્યારે નદીકાંઠા પાસેના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગણેશ પ્રતિમાને ફાયર સ્ટેશનમાં મૂકવાની ફરજ પડી છે.