December 6, 2024

નમો લક્ષ્મી-નમો સરસ્વતી યોજના હેઠળ 8 લાખથી વધુ વિદ્યાર્થીઓને 200 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. તેમના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બે નવી યોજના ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થિનીઓને 174 કરોડ રૂપિયાથી વધુની સહાય, જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત 40 કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

રાજ્યના ખૂણે-ખૂણે ગુણવત્તાલક્ષી શિક્ષણને પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024માં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે.

આ બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનીઓની સંખ્યામાં તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.

નમો લક્ષ્મી યોજના

આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દિકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ. 174 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. 50 હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ 9અને 10માં અભ્યાસ દરમિયાન માસિક રૂ.500 લેખે કુલ 10 મહિનામાં રૂ. 10 હજાર તથા ધોરણ 10માં ઉતીર્ણ થયા બાદ રૂ. 10 હજાર આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીઓને માસિક રૂ. 750 લેખે કુલ 10 મહિનામાં રૂ. 15 હજારની સહાય તથા ધોરણ 12માં ઉતીર્ણ થયા બાદ રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. 1250 કરોડનું બજેટ ફાળવ્યું છે.

નમો સરસ્વતી યોજના

૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ ખૂબ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂ. 40 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ-11માં માસિક રૂપિયા 1000 લેખે કુલ 10 મહિનામાં રૂ. 10 હજાર અને ધોરણ-12માં માસિક રૂપિયા 1000 લેખે કુલ 10 મહિનામાં રૂપિયા 10 હજારની સહાય ચૂકવાય છે. ધોરણ 12માં ઉતીર્ણ થયા બાદ પાંચ હજાર મળીને કુલ રૂ. 25 હજારની સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂપિયા 250 કરોડનું બજેટ ફાળવ્યું છે.

વધુમાં આ યોજનાનો લાભ જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી /અનુદાનિત/ સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને જ લાભ મળે છે.

આ બંને યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓની શાળામાં માસિક 80 ટકા હાજરી હોવી જરૂરી છે. અરજદાર વિદ્યાર્થીની અરજી ઓનલાઈન તેમની શાળા દ્વારા જ કરવામાં આવે છે. લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ લાભાર્થીના માતાના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરાય છે.