December 11, 2024

લાંચીયા અધિકારી પર દાદાનો દંડો ફર્યો, કલાસ વન અધિકારી નરેશ જાનીને ફરજ મુક્ત કરાયો

અમિત રૂપાપરા, સુરત: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ એક લાંચ કેસમાં ગુજરાત સરકારે ક્લાસ-1ના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગત જૂન મહિનામાં વચેટિયા થકી રૂ. 2 લાખની લાંચ લેવાનો કેસ ખાણ ખનિજ વિભાગના મદદનીશ નિયામક-ફલાઈંગ સ્કવૉડ સુરત નરેશ જાની સામે નોંધાયો હતો. વચેટિયા કપિલ પ્રજાપતિની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઇ જાની ગત 29 જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતા સુરત એસીબીએ તેની ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સલંગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો અને જેના આધાર પર અજમાયશી કલાસ વન અધિકારી નરેશ જાનીની ફરજ સમાપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: બીજેપીની કાર્યશાળામાં મહિલા મોરચાને પરફોર્મન્સ બતાવવા સીઆર પાટીલની ટકોર

સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કૉ.ઑ. સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે, ખાણ-ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવૉડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટિયો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા માટે 2 લાખની લાંચ માગે છે. આ ફરિયાદના આધારે ગત 11 જૂનના રોજ સુરત ખાતે 2 લાખની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમભાઇ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો. ફરાર થઈ ગયેલા નરેશ જાનીએ સેશન્સ કોર્ટ સુરત અને ત્યારબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. નરેશ જાનીએ ગત 29 જુલાઈના રોજ નામદાર સેશન્સ કોર્ટ સુરત ખાતે આત્મ સમર્પણ કરતા તેમની એસીબી અધિકારીએ વિધિવત ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. એસીબીએ સરકારી ફરજ દરમિયાન ભ્રષ્ટાચારના કેસમાં ઝડપાયેલા નરેશકુમાર જાનીનો ગુજરાત સરકારમાં અહેવાલ મોકલ્યો હતો. જેના આધારે ગુજરાત સરકારે મહત્વનો તેમજ દાખલારૂપ નિર્ણય લઈ લાંચ કેસના આરોપી એવા નરેશ જાનીની ગત તારીખ 11 જૂન 2024ના રોજથી સેવા સમાપ્ત કરવાનો હુકમ કર્યો છે. હાલ નરેશ જાની લાંચ કેસમાં જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ છે.