બનાસકાંઠા, ગાંધીનગર, નવસારી અને મહેસાણામાં જિલ્લા ભાજપ પ્રમુખ રિપીટ, જૂનાગઢને મળ્યા નવા પ્રમુખ

ગાંધીનગર: ગુજરાતમાં પ્રદેશ ભાજપ આજે તબક્કાવાર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરશે. જેમાં મોટા ભાગના જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત બીજેપી જિલ્લા કાર્યાલય ખાતેથી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા ભાજપને મળ્યા નવા પ્રમુખ
ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી કરાઈ છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. પ્રકાશ મોદી રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક રહ્યા છે. વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રકાશ મોદીને ભાજપે જવાબદારી સોંપી છે.
અમદાવાદ જિલ્લાના નવા પ્રમુખ તરીકે શૈલેષ દાવડા
અમદાવાદ જિલ્લા પ્રમુખની સંરચના માટે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. અમદાવાદની હોટલમાં મળેલી જિલ્લા બીજેપીની સંકલન સમિતિની બેઠકમાં અમદાવાદ જિલ્લાના નવા પ્રમુખ તરીકે શૈલેષ દાવડાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
જામનગર શહેર ભાજપ પ્રમુખ પદે બીનાબેન કોઠારીના નામની જાહેરાત
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ તરીકે પૂર્વ મેયર બીનાબેન કોઠારીના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી ક્લસ્ટર બાબુ જેબલિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી ક્લસ્ટર ઈન્ચાર્જ બાબુ જેબલિયા, ચૂંટણી ઈન્ચાર્જ જાનકી આચાર્ય, સંગઠન મંત્રી પલ્લવી ઠાકર, રાજુભાઈ ધારેયા, વિમલ કગથરા, મેયર વિનોદ ખીમસુરીયા, પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
સાબરકાંઠા જિલ્લામાં બીજેપી જિલ્લા પ્રમુખ થયા રિપીટ
કનુભાઈ પટેલની જિલ્લા બીજેપી પ્રમુખ તરીકે ફરી એકવાર વરણી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં બીજેપી પ્રમુખ કનુભાઈ પટેલની મજબૂત પકડ છે. જિલ્લામાં બે ભાગ હોવા છતાં તમામની એક જૂથ રાખવાની વિશેષ ક્ષમતા છે. જિલ્લા બીજેપી પ્રમુખ તરીકે રિપીટ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. સમર્થકો તેમજ ટેકેદારો દ્વારા પ્રદેશના નિર્ણયને વધાવાયો છે.
અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત
ભીખાજી દૂધાજી ઠાકોર જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે. જિલ્લા મહામંત્રીને જિલ્લા પ્રમુખ બનાવાયા છે. ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી છે. લોકસભામાં પરત ટિકિટ લેવાયા બાદ આખરે ઈનામ મળ્યું છે.
પાટણ જિલ્લા બીજેપી પ્રમુખ પદે રમેશ સિંધવની વરણી
ઉત્તર ઝોનના ચૂંટણી અધિકારી જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રમુખની વરણી કરાઈ હતી. પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે રમેશ સિંધવની વરણી કરાઈ છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે દરખાસ્ત કરી હતી અને જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલે સમર્થન આપ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર કરાયું
ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પદે શહેર ભાજપના પૂર્વ મહામંત્રીના નામ પર મહોર લાગી છે. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. સંજય પરમારના નામ પર મહોર લાગી.ચૂંટણી અધિકારી સુરેશ ગોધાણી, ક્લસ્ટર ઇન્ચાર્જ મોહન કુંડારીયા, સહ ચૂંટણી અધિકારી અશ્વિન ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા અને બંધ કવરમાંથી નામની જાહેરાત કરવામાં આવી છે.
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સંજય પટેલ નિયુક્ત
ખંભાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે સંજય પટેલ અગાઉ ચૂંટાઈ આવ્યા હતા. સંજય પટેલ અઢી દાયકાથી ભાજપના સક્રિય સભ્ય છે. હાલમાં કર્ણાવતી મહાનગર ભાજપ સંગઠનની પ્રભારી તરીકે જવાબદારી સંભાળે છે. તાલુકા સંગઠનથી લઈ ધારાસભ્ય સુધી ફરજ નિભાવી છે. જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થતા હોદ્દેદારો અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દિગુભા અનિરુદ્ધસિંહ ગોહિલની વરણી
દિગુભા ગોહિલ અગાઉ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દિગુભા ગોહિલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી,મકવાણાને રિપીટ કરવાની પ્રબળ શક્યતા હતી, પરંતુ નવા નામની જાહેરાત થતા આર.સી મકવાણાનું પતું કપાયું છે. દિગુભા ગોહિલ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને ક્ષત્રિય સમાજને નવું પ્રતિનિધિત્વ મળે તે માટે નવા જ નામની જાહેરાત કરાઈ છે.
વડોદરા શહેરના નવા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની
વડોદરા શહેરના નવા પ્રમુખ ડો. જયપ્રકાશ મહેશભાઈ સોની બન્યા છે. ડો. જયપ્રકાશ સોનીએ PhD, MBA in Finance and MBA in HRનો અભ્યાસ કર્યો છે. બાલ્યકાળથી સંઘનાં સ્વયંસેવક છે. 1996 તૃતીય વર્ષ, વડોદરા મહાનગર કાર્યવાહ, વડોદરા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ, અનેક વર્ષોથી સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષક અને મુખ્ય શિક્ષક સાધના સાપ્તાહિકમાં કાર્ય કર્યું છે. એમ.એસ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે સેવાઓ બજાવી હતી. તેમજ હાલમાં 2017થી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સેન્ટ્રલ યુનિમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર પદ પરથી રાજીનામું આપ્યું છે.
જૂનાગઢ શહેર BJP પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયાની વરણી
જૂનાગઢ શહેરને નવા BJP પ્રમુખ મળ્યા છે, નવા શહેર BJP પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયાની નિયુક્તિ કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ નામની જાહેરાત કરી હતી. ગૌરવ રૂપારેલીયા પક્ષમાં સંગઠનના પ્રભારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
નર્મદા જિલ્લા BJP પ્રમુખ તરીકે નીલ રાવની નિમણૂક
નર્મદા જિલ્લા BJP પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે નીલ રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. નર્મદા જિલ્લા બીજેપીને યુવા પ્રમુખ મળ્યા છે. નીલ રાવ જિલ્લા મહામંત્રી તરીકે કાર્યરત હતા.
ભાવનગર શહેરના નવા પ્રમુખ તરીકે કૃણાલ શાહની વરણી
ભાવનગર શહેર બીજેપીને નવા પ્રમુખ મળ્યા છે. બીજેપી શહેર પ્રમુખ તરીકે કૃણાલ શાહની જાહેરાત કરવામાં આવી છે. કૃણાલ શાહની જાહેરાત થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહેસાણા જિલ્લા BJP પ્રમુખ પદે ગિરીશ રાજગોર રિપીટ
મહેસાણા જિલ્લા BJP પ્રમુખ પદે ગિરીશ રાજગોર રિપીટ કરવામાં આવ્યા છે. ગિરીશ રાજગોરને ફરી જિલ્લા BJP પ્રમુખ બનાવ્યા છે. અગાઉ નિમણૂક વખતે ટર્મ પૂર્ણ નહીં હોવાથી ફરી તક આપવામાં આવી છે.
નવસારી જિલ્લા BJPના પ્રમુખ પદે ભુરાલાલ શાહ રિપીટ
નવસારી જિલ્લા BJPના પ્રમુખ પદે ફરી એકવાર ભુરાલાલ શાહની તાજપોશી કરવામાં આવી છે. MLA આર.સી.પટેલે જિલ્લા પ્રમુખ માટે ભુરાલાલ શાહની દરખાસ્ત કરી હતી. MP ધવલ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈએ તેમની દરખાસ્તને ટેકો આપ્યો હતો. અન્ય કોઈનું નામ ન આવતા નિરીક્ષક જસવંતસિંહ ભાભોરે પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની જાહેરાત કરી.
ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ રિપીટ
ગાંધીનગર જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપીટ કરાયાં છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલે જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી. પૂર્વ જિલ્લા પ્રમુખ નેઈનેશ શાહ પૂર્વ જિલ્લા પ્રમુખ દ્વારા ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખ માટે દરખાસ્ત મુકાઈ હતી. ગાંધીનગર જિલ્લાના પાંચેય પ્રમુખ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદે કીર્તિસિંહ વાઘેલા રિપીટ
બનાસકાંઠા જિલ્લા બીજેપી પ્રમુખનું નામ જાહેર થઈ ગયું છે. કીર્તિસિંહ વાઘેલાને ફરી એકવાર જિલ્લા બીજેપી પ્રમુખનું પદ સોંપાવામાં આવ્યું છે. પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા પ્રમુખ પદે રિપીટ કરાયાં છે.
જૂનાગઢ જિલ્લા ભાજપના નવા પ્રમુખ ચંદુભાઈ મકવાણા
જૂનાગઢ જિલ્લાના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ તેમના નામની જાહેરાત કરી હતી. ચંદુભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કાર્યરત હતા.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદે અતુલ કાનાણીની નિમણૂક
અમરેલી જિલ્લા BJPને નવા પ્રમુખ મળ્યા છે. જિલ્લા BJPના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે. અતુલ કાનાણી અગાઉ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો છે. પ્રદેશ BJPના ભરત બોધરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોના નામ જાહેર થશે. છેલ્લા કેટલાય સમયથી નામનોને લઈ કોકડું ગુંચવાયું હતું. મોટા ભાગના જિલ્લા બીજેપી પ્રમુખનું નામ જાહેર થશે. નિરીક્ષકો જિલ્લા પ્રમુખના નામનું વ્હિપ લઈને જિલ્લામાં જશે અને જિલ્લા પ્રમુખનું નામ જાહેર કરશે.
આજે 8 જેટલા જિલ્લા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત નહીં થાય. 60%થી વધુ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત થશે. પ્રભારી દ્વારા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રમુખના નામની જાહેરાત કરાશે. જિલ્લા કાર્યાલય ખાતે 14 જેટલા અપેક્ષિત શ્રેણીના આગેવાનોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. 10 વાગ્યા બાદ જિલ્લા સ્તરેથી પ્રભારીઓ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવશે. આજે 60%થી વધુ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણી અંગે પ્રક્રિયા શરૂ થશે. જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત બાદ સંગઠન પર્વના મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડ દિલ્હી ખાતે રિપોર્ટ સોંપશે. મુખ્ય ચૂંટણી અધિકારીના રિપોર્ટ બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે નિમાયેલા નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે આવશે. હોળાષ્ટક બાદ બીજેપી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે.