October 5, 2024

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 10 બાળકોનાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસથી કુલ 10 બાળકોનાં મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, સવારે પંચમહાલ અને બપોરે મહેસાણામાં બાળકોએ જીવ ગુમાવ્યો છે.

અત્યાર સુધીની વાત કરવામાં આવે તો, સાબરકાંઠામાં બે અને અરવલ્લીમાં 3 બાળકોનાં ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા છે. જ્યારે મહિસાગર, રાજકોટ, પંચમહાલ અને મહેલાણામાં 1-1 મોત નીપજ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના એક બાળકનું ગુજરાતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ગોધરામાં બાળકીનું મોત નીપજ્યું
ગોધરા રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત નીપજ્યું છે. કોટડા ગામમાંથી શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. ત્યારે 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારે સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીને તાવ અને ખેંચ આવવા સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધારો હતો. પરંતુ ગઈકાલે રાતે અચાનક જ બાળકીનું મોત નીપજ્યું હતું.

મહેસાણાના બાળકનું સારવાર દરમિયાન મોત
મહેસાણાના ચાંદીપુરા શંકાસ્પદ વાયરસનો મામલે વરેઠાનાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન બાળકે જીવ ગુમાવ્યો.