December 11, 2024

ગુજરાત ATSના મુંબઈમાં દરોડા, 800 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

મિહિર સોની, અમદાવાદઃ ગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. જેમાં મુંબઈના ભિવંડીમાંથી 2 ભાઈઓને 800 કરોડના લિકવિડ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગત મહિનામાં સુરતથી 51 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની તપાસમાં મુંબઈના ભિવંડીનું કનેક્શન એટીએસને મળ્યું હતું. હાલ એટીએસે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

એટીએસે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ત્રીજો ભાઈ સાદિક હાલ ફરાર છે. એટીએસને માહિતી મળી હતી કે ભિવંડીના ચીંચબંદર વિસ્તારમાં આ બંને ભાઈઓ MD ડ્રગ્સ બનાવે છે. માહિતીના આધારે દરોડા પાડીને ત્યાંથી 10.969 કિલો સેમી-લિક્વિડ MD અને 782 કિલો બેરલોમાં ભરેલું લિક્વિડ MD કબ્જે કરવામાં આવ્યું છે. આ સાથે મળી આવેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 800 કરોડ થાય છે.

ડ્રગ્સ બનાવીને બજારમાં વેચવા માટે બંને આરોપીએ એક ફ્લેટમાં ડ્રગ્સની ફેકટરી શરૂ કરી હતી. પોલીસના હાથે પકડાય નહીં તે માટે ફ્લેટમાં ડ્રગ્સ બનાવવાની નાની ફેકટરી ઉભી કરી હતી. જો કે, એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદ યુનુસ અગાઉ દુબઈમાં રહીને ગોલ્ડ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સ્મગ્લિંગ કરતો હતો અને તેને દુબઈમાં એક વ્યક્તિ મળી હતી. તેની સાથે મળી બંને ભાઈઓએ રૂપિયાની લાલચમાં MD બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પકડાયેલા બંને ભાઈઓ છેલ્લા 8-9 મહિનાથી આ કામ કરી રહ્યા છે પરંતુ બે વાર નિષ્ફળ પણ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

હાલ એટીએસ ફરાર આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે આ લોકો ડ્રગ્સ કોણે આપવાના હતા અને તેમની સાથે બીજા કોણ સામેલ છે તે તમામ દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે દુબઈમાં રહેલો વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ સુરતમાંથી પકડાયેલી ફેકટરીમાંથી કોઈ રોમટીરીયલ મગાવવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ કરાઇ રહી છે.

ત્રણ દિવસથી ગુજરાત ATSના દરોડા
ગુજરાત ATSના ડ્રગ્સને લઈને દરોડા ચાલુ જ છે. ત્યારે ભરૂચના દહેજમાં આવેલી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં પણ પાડવામાં આવ્યા હતા દરોડા અને મોટી માત્રામાં ડ્રગ્સ-ટ્રામાડોલ મેડિસિન મળી આવ્યું હતું. આ ઉપરાંત કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે ટ્રામાડોલ ટેલબેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. છેલ્લા 3 દિવસથી દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી. આ સાથે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.