ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ, કાળા જાદુ વિરુદ્ધનું બિલ રજૂ કર્યું
ગાંધીનગરઃ ચોમાસુ સત્રનો ગુજરાત વિધાનસભામાં પ્રારંભ થયો છે. ત્યારે કાળા જાદુ સામે વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. ગુજરાતમાં માનવ બલિદાન, બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા વિધેયક રજૂ કરશે. સમાજમાં અજ્ઞાનના કારણે અનિષ્ટ અને દુષ્ટ પ્રથાની સામે સામાન્ય લોકોને રક્ષણ આપવા બિલ રજૂ કરવામાં આવશે.
ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024 નામથી ગૃહવિભાગે બિલ તૈયાર કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે.
બિલ લાવવાનું મુખ્ય કારણ સમાજમાં અજ્ઞાનના કારણે ફૂલતા-ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથાની સામે સામાન્ય લોકોને રક્ષણ આપવું, સમાજમાં સામાજિક જાગૃતિ અને સભાનતા લાવવા અને સ્વસ્થ અને સુરક્ષિત સામાજિક પર્યાવરણનું નિર્માણ કરવા અને લેભાગુઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ કરવા અને તેમ કરીને સમાજના મૂળ સામાજિક માળખાનો વિચ્છેદ કરવાના દ્રષ્ટ ઉદ્દેશથી કાળા જાદુ તરીકે સામાન્ય રીતે જાણીતી થયેલી કહેવાતી અલૌકિક અથવા જાદુઇ શકિત અથવા પ્રેતાત્માના નામે પ્રચાર કરવામાં આવતા માનવ બલિદાન અને બીજી અમાનુષી (અમાનવીય), અનિષ્ટ, દુષ્ટ અને અધોરી પ્રથાનો પ્રતિકાર કરવા અને તેનું નિર્મૂલન કરવા માટે અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટે (જોગવાઇ કરવા બાબત) વિધેયક
બિલનાં મહત્વપૂર્ણ મુદ્દા પર એક નજર
- આ અધિનિયમ ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત અધિનિયમ 2024 કહેવાશે.
- તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે. તે રાજ્ય સરકાર, રાજપત્રમાં જાહેરનામાથી નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે.
- ‘માનવ બલિદાન અને બીજી અમાનુષી (અમાનવીય) અનિષ્ટ અને આધોરી પ્રથા અને કાળા જાદુ’ એટલે આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિમાં જાણાવેલા અથવા વર્ણવેલા કૃત્યો પૈકીનું કોઈ કૃત્ય કોઈ વ્યક્તિએ પોતે કરવું અથવા બીજી કોઈ વ્યક્તિ મારફત અથવા કોઈ બીજી વ્યક્તિને ઉશ્કેરીને કરાવવા સામે કાયદો લાગુ પડશે.
- ‘પ્રચાર કરવો’ એટલે માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ સંબંધી અથવા તે વિશે જાહેરખબર, સાહિત્ય લેખ અથવા પુસ્તક બહાર પાડવું અથવા તેનું પ્રકાશન કરવું અને તેમાં માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુના સંબંધમાં કોઈ પ્રકારની પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભાગીદારી અથવા સભ્યોનો સમાવેશ થાય છે.
- જાદુઈ ઉપચાર (વાંધાજનક જાહેરખબર) સામે પણ આ કાયદો લાગુ પડશે.
- કોઇપણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઇ વ્યક્તિ મારફત કાળા જાદુ સહિત મુદ્દાનો પ્રચાર કરી શકશે નહીં અથવા વ્યવસાય કરી શકશે નહીં અથવા કરાવડાવી શકશે નહીં. જો આ પ્રકારની ફરિયાદ મળે છે તો તેની સમયે કાર્યવાહીની જોગવાઈ.
- અધિનિયમની જોગવાઇઓ હેઠળ દોષિત વ્યક્તિને છ મહિનાથી 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે. આ સાથે જ પાંચ હજાર રૂપિયાથી 50 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ.