November 11, 2024

રાજ્યમાં 102 ડેમમાં 100 ટકા પાણી; 118 ડેમ હાઇએલર્ટ પર

ગાંધીનગરઃ છેલ્લા બે દિવસથી મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્ય પાણી પાણી જોવા મળી રહ્યું છે. હાલ રાજ્યમાં કુલ 102 ડેમમાં 100 ટકા પાણી ભરાયું છે. જ્યારે 41 ડેમ 70 ટકા કે તેથી વધુ ભરાયેલા છે. આ ઉપરાંત 22 ડેમ 50 ટકા કે તેથી વધુ ભરાયેલા છે.

રાજ્યના 23 ડેમમાં 25 ટકા કે તેથી વધુ પાણી જોવા મળ્યું છે. જ્યારે 18 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી છે. હાલ રાજ્યમાં કુલ 118 ડેમ હાઇએલર્ટ પર છે. 18 ડેમ એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત 7 ડેમ વોર્નિંગ પર છે.

આ પણ વાંચોઃ આણંદમાં 400 તળાવ ઓવરફ્લો, 200 ગામ જળમગ્ન થયાં

24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ
સમગ્ર રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 152 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના 98 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના 24 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ઘેડ પંથક પાણીમાં ગરકાવ

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સૌથી વધુ ખંભાળિયામાં પોણા 18 ઈંચ વરસાદ પડ્યો છે. તો જામનગરમાં સવા 15 ઈંચ, જામજોધપુરમાં અને લાલપુરમાં પોણા 13 ઈંચ, રાણાવાવમાં સાડા 11 ઈંચ, કાલાવડમાં 11 ઈંચ, લોધિકામાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાણવડમાં સાડા 10 ઈંચ, કોટડા સંઘાણીમાં સવા 10 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, પોરબંદરમાં પોણા 10 ઈંચ વરસાદ, દ્વારકામાં પોણા 10 ઈંચ, રાજકોટમાં પોણા 10 ઈંચ, ધ્રોલમાં 7 ઈંચ, ધોરાજીમાં 7 ઈંચ, જામકંડોરણામાં પોણા 7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ગોંડલમાં પોણા 7 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, જોડીયામાં પોણા 6 ઈંચ, વાંકાનેરમાં પોણા 6 ઈંચ, વિસાવદરમાં સાડા 5 ઈંચ, ટંકારા અને વંથલમાં સવા 5 ઈંચ, માણાવદરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.