November 9, 2024

ગીર સોમનાથના ખેડૂતો માટે પાછોતરો વરસાદ હૈયાવરાળ બનીને આવ્યો

અરવિદ સોઢા, ગીર સોમનાથ: ચાલુ ચોમાસામાં ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા કઈક વધારે જ મહેરબાન થયા. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ થયો. તેમ પણ છેલ્લા બે ત્રણ દિવસથી વરસેલા વરસાદે કપરી સ્થિતિ ઊભી કરી છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પર પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. મગફળીનો પાક તૈયાર થતા મેઘરાજાએ હેત વરસાવ્યો હતો. જોકે આ હેત ખેડૂતો માટે હૈયાવરાળ બનીને આવ્યો.

છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જાણે જતા-જતા મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા હોય તેમ ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં દરિયાકાંઠે 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. જેમાં સૌથી વધુ કોડીનાર શહેર અને કોડીનારના દરિયાકાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.

જ્યાં ચોમાસા દરમિયાન 24 કલાકમાં ન વરસ્યો તેટલો વરસાદ અડદો કલાકમાં વરસી ગયો અને ખેડૂતો ને પાયમાલ કરી દીધા. કારણ કે, ગીર સોમનાથમાં અંદાજે 15 હજારથી વધુ હેકટર જમીનમાં મગફળીનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે. જે હાલ સંપૂર્ણ લણવાની તૈયારી છે તો કેટલાક ખેડૂતોને મગફળીના પાથરા પણ પડ્યા હતા. જોકે આ મગફળીના પાથરા પર અચાનક આવેલા વરસાદના કારણે ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો.

ચાર મહિનાની મહેનત અને તેના પર ચોમાસાની વિદાય વેળાએ જળ વરસાવી જતાં ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યા. ખેડૂતોના મતે હવે આ મગફળી કોઈજ કામની નથી અને આ મગફળી ધીમેધીમે કાળી પડતી જશે અને પશુઓનો ઘાસચારો પણ બગડી જશે તો બીજી તરફ માર્કેટમાં આ મગફળીના ભાવ પણ નહિ મળે. ત્યારે હજુ પણ કેટલાક દિવસ હવામાન નિષ્ણાતો વરસાદ ની આગાહી કરી રહ્યા છે અને હવે વધુ વરસાદ વરસે તો ગીરના મોટાભાગના ખેડૂતો ને મોટા પ્રમાણ નુકશાન થવાની સંભાવના છે.