December 3, 2024

ગ્રીસના PM અને PM મોદીએ કરી ફોન પર વાત, દ્વિપક્ષીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા

India Greece bilateral relations: PM નરેન્દ્ર મોદીએ તેમના ગ્રીસ સમકક્ષ કિરિયાકોસ મિત્સોટાકિસ સાથે મહત્વપૂર્ણ ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-ગ્રીસ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની પણ સમીક્ષા કરી અને તેને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. નોંધનીય છે કે, પીએમ મોદીએ તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠકો પછી દ્વિપક્ષીય સંબંધોમાં ગતિની પ્રશંસા કરી છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ભારત અને ગ્રીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી અને કિરિયાકોસ મિત્સોટાકિસ વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન મિત્સોટાકીસે સામાન્ય ચૂંટણીમાં ફરીથી ચૂંટાવા પર પીએમ મોદીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ આ વર્ષની શરૂઆતમાં મિત્સોટાકિસની ભારત મુલાકાત બાદ વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટી સહિત દ્વિપક્ષીય સહયોગના અનેક ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ IMEEC (ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર) અને પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ ઇકોનોમિક કોરિડોર પીએમ મોદી અને જો બિડેનની મહત્વાકાંક્ષી યોજના છે. તેનાથી એશિયાથી યુરોપ સુધીના દેશોને ઘણો ફાયદો થશે.