December 4, 2024

પહેલા માર્યો માર… પછી દુષ્કર્મ અને ગળુ દબાવીને હત્યા, કોલકત્તા ડોક્ટરના ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો

કોલકાતા: કોલકાતામાં માનવતાને શરમાવે તેવી ઘટનામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આરોપીએ તેને એટલી ક્રુરતાથી માર માર્યો કે તેના ચશ્માનો કાચ તૂટી ગયો અને તેની આંખમાં વાગ્યો. પોલીસ રિપોર્ટ અનુસાર, આરજી કાર મેડિકલ હોસ્પિટલમાં પીજીની તાલીમ અને અભ્યાસ કરતી 31 વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પછી સંસ્થાના સેમિનાર હોલમાં તેની હત્યા કરવામાં આવી હતી. સવાર સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ એ જ હાલતમાં પડ્યો રહ્યો હતો. તપાસ બાદ પોલીસે સંજય રોય નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

કોલકાતા પોલીસે સોમવારે પીડિતાના પરિવારને સુપરત કરેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પીડિતાને ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. શરીર પર ઈજાના અનેક નિશાન હતા. ચશ્માના કાચના ટુકડાને કારણે તેના શરીર અને આંખો પર પણ ઇજાઓ જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર પીડિતાના પ્રાઈવેટ પાર્ટ પર થયેલી ઈજાઓ અને અન્ય ઈજાઓ એન્ટમોર્ટમ ઈન્જરીઝ છે. તેનો અર્થ એ કે આરોપીએ જ્યારે પીડિતા જીવિત હતી ત્યારે તેને આ ઇજાઓ આપી હતી. પ્રાઈવેટ પાર્ટ પર ઈજાઓ દર્શાવે છે કે પીડિતા પર દુષ્કર્મ થયું હતું. પીડિતાને નિર્દયતાથી માર્યા અને જાતીય હુમલો કર્યા પછી, આરોપીએ પીડિતાનું ગળું અને મોં દબાવીને હત્યા કરી. રિપોર્ટ અનુસાર હત્યાનો સમય શુક્રવારે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચેનો હોવાનું અનુમાન છે.

પોલીસના જણાવ્યા મુજબ બળાત્કાર અને હત્યા કર્યા પછી આરોપી તેના ઘરે ગયો, ત્યાં તેણે પુરાવાનો નાશ કરવા માટે પહેરેલા કપડા ધોયા. જ્યારે પોલીસે તેના ઘરની તપાસ કરી ત્યારે તેને તેના પગરખાં પર લોહીના ડાઘા મળ્યા. પોલીસે ઘટના સ્થળેથી મળેલા ઈયરબડની મદદથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર, ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન; જનજીવન થયું અસ્ત વ્યસ્ત

આ ભયંકર અપરાધ બાદ મેડિકલ વિદ્યાર્થીઓએ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત ઘણા શહેરોના ડૉક્ટરોએ કહ્યું છે કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ કોઈ કામ કરશે નહીં.

મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે કોલકાતા પોલીસને કેસ ઉકેલવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી અને ચેતવણી આપી હતી કે જો ત્યાં સુધીમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે. “જો વધુ આરોપીઓ હોય અને રવિવાર સુધીમાં બધાની ધરપકડ કરવામાં ન આવે તો અમે કેસ સીબીઆઈને સોંપીશું. આ અંગે કોલકાતા પોલીસે કહ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસમાં અન્ય ગુનેગારોની પણ ધરપકડ કરવામાં આવશે.