પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિયરીયાએ જ રચ્યું અપહરણનું તરકટ, આખરે ભાંડો ફૂટ્યો
મિહિર સોની, અમદાવાદ: ઓઢવમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ કરવામાં આવ્યું. જેને લઈને યુવતીના સાસરિયાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં એક આરોપીની ધરપકડ કરાઇ હતી. તપાસમાં યુવતીના પરિવારે અપહરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ઓઢવ પોલીસે અપહરણને લઈને યુવતીનું નિવેદન લેતા નવો વણાંક આવ્યો હતો.
ઓઢવ પોલીસ સ્ટેશને યુવતીના અપહરણમાં મહિપત નામના શખ્સની ધરપકડ કરી હતી. આ આરોપીએ પોતાની પિતરાઈ બહેનનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઘટનાની વાત કરીએ તો ગઢડાની રાધિકા નામની યુવતીએ મયુર પંચાસરા નામના યુવક સાથે 19 એપ્રિલના રોજ પ્રેમ લગ્ન કરીને અમદાવાદમાં ઓઢવ રહેવા આવી ગઈ હતી. પરંતુ, તેના પ્રેમ લગ્ન પરિવારને મંજુર ન હતા. જેથી, પરિવારે રાધિકાનું અપહરણનું ષડયંત્ર રચ્યું હતું.
6 જુલાઈના દિવસે રાધિકા પોતાની જેઠાણી સાથે વસ્ત્રાલ બાળકને સ્કૂલ મુકવા જતી હતી. ત્યારે, તેના પિતા રમણિકભાઈ, ભાઈ અશ્વિનભાઈ અને પિતરાઈ ભાઈ મહિપત સહિત 5 થી વધુ લોકોએ બાઈક પર બળજબરીથી બેસાડીને કારમાં અપહરણ કરીને લઈ ગયા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા ઓઢવ પોલિસે અપહરણનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પ્રેમ લગ્નમાં અપહરણ કેસમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં રાધિકા હાજર થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ રાધિકાના નિવેદનથી કેસમાં નવો વણાંક આવ્યો. મયુર પંચાસરા સુરેન્દ્રનગરનો રહેવાસી છે. જ્યારે રાધિકાના મામાનું ઘર ત્યાં આવેલું છે. દોઢ વર્ષ પહેલાં મયુર અને રાધિકા સંપર્કમાં આવ્યા. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમ સંબંધ બંધાયો. બંન્ને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. આ તરફ યુવતી ઘરેથી ભાગી જતાં તેના પિતા રમણીકભાઇ દલસાણીયાએ ગઢડા પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
જોકે, યુવક અને યુવતીએ પ્રેમલગ્ન કરી પોલીસ સમક્ષ હાજર થયા હતા. યુવતી તેના પતિ મયુર સાથે જ રહેવા માગતી હોવાથી અને બન્ને પુખ્ત ઉંમરના હોવાથી પોલીસે તેને પતિ સાથે રહેવા જવા દીધી હતી. પરંતુ પરિવારને મંજુર નહિ હોવાથી અપહરણ કર્યું. સમગ્ર મામલે, ઓઢવ પોલીસે અપહરણ કેસમાં યુવતીનું નિવેદન લઈને તપાસ શરૂ કરી. જ્યારે અપહરણ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.