ગીર-સોમનાથના ઉનામાં ફરી ખેડૂતોનાં ખાતર માટે વલખાં, ખાતરની કાળાબજારી થતી હોવાની આશંકા

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લામાં ફરી એક વખત યુરિયા ખાતર માટે લાગી લાંબી કતારો લાગી છે. ઉના ખાતર ડેપો પર ખેડૂતો વ્હેલી સવારથી ખાતર માટે કતારો લગાવી રહ્યા છે. ખાતર માટે વલખાં મારતા ખેડૂતોને આખરે નિરાશા જ હાથ લાગે છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જ્યાં ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. આવી જ કતારો થોડા મહિના પહેલા શિયાળું પાકને લઈ જોવા મળતી હતી. જો કે, હવે ઉનાળુ પાકમાં પણ ખેડૂતોના આવા જ હાલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ પૂરતું ખાતર હોવાના દાવાઓ થઈ રહ્યા છે. તો બીજી તરફ ખાતરની કાળાબજારી થતી હોવાની આશંકા છે. કારણ કે, ખાતરનો સ્ટોક હોવાના બણગા ફૂંકાય રહ્યા છે. પરંતુ જમીની હકીકત કંઈક આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે, રોજ સવારે 5થી 7 વાગ્યે આવી ખાતર ડેપો નજીક કતારો સ્વરૂપે ઊભા રહીએ છીએ. લાંબો સમય ઊભા રહ્યા બાદ પોકાર પડે છે કે, ખાતર નથી અથવા તો ખાલી થઈ ગયું છે. જેના આકારને ખેડૂતોને વારંવાર ધરમના ધક્કા થઈ રહ્યા છે.