December 6, 2024

ખેડૂતો માટે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ, પહેલા વરસાદે તબાહી મચાવી તો હવે ખાતરની અછત

ધર્મેશ જેઠવા, ઉનાઃ જગતના તાતને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. ખેતીપ્રધાન દેશના ખેડૂતની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. ખેડૂતની આવક બમણી થવાના દાવા પોકળ સાબિત થયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદને લીધે ખેડૂતને ચોમાસાની સિઝનમાં મગફળી, સોયાબીન અને અન્ય પાકો હાથમાંથી છીનવાય ગયા છે. સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ગીર-સોમનાથ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં પાછોતરા વરસાદે કહેર વર્તાવ્યો હતો. આવી પરિસ્થિતિમાં હવે રવી પાકના વાવેતર માટે પાયાના ખાતર DAPની અછત ઊભી થઈ છે. ગીર ગઢડા અને ઉના તાલુકાના ખેડૂતો હાલ DAP ખાતરની અછત ઊભી થતાં ચિંતામાં મૂકાયા છે.

ખાતરના ડેપોમાં બીજા ખાતર તો છે, પણ DAP ખાતર મળી રહ્યું નથી. રવી પાક ઘઉં, ચણા અને શિયાળુ બાજરી માટે પાયાનું ખાતર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં સેવા સહકારી મંડળીના ડેપો, સહકારી સંઘના ડેપો, નર્મદા ખાતરના ડેપો, સરદાર ખાતરના ડેપો હોવા છતાં હાલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં DAP ખાતર મળી રહ્યું નથી. જો સહકારી સંઘના ડેપોમાં ખાતર થોડું આવે છે તો એક આધાર કાર્ડ દીઠ 10 ખાતરની થેલી આપવામાં આવે છે અને તેમાં પણ અન્ય આજુબાજુ કોડીનાર તાલુકાના ખેડૂતો આવીને લઈ જાય છે, જેથી ઉના અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતો DAP ખાતર વિના હાલ ભટકી રહ્યા છે.

ઉના અને ગીર ગઢડા તાલુકામાં ખેડુતને પડ્યા ઉપર પાટુ પડી છે. એક તરફ કુદરતે મોઢે આવેલો કોળીયો છીનવી લીધો, ત્યારે શિયાળુ પાક ખેડૂત માટે ચોખ્ખો નફો આપતી સિઝન હોય છે. જેમાં પાયાનું ખાતર DAPથી સારું ઉત્પાદન મેળવી શકે છે અને ચોમાસામાં થયેલું લેણું કદાચ ભરપાઈ કરી શકે. અહીં DAP ખાતરની અછત ઊભી થતાં આ વિસ્તારના ખેડૂતોની આ આશા ઉપર પાણી ફર્યું છે. શિયાળુ સિઝનમાં રવી પાકમાં વાવેતર પછી યુરિયા ખાતરની પણ જરૂરિયાત ઊભી થશે ત્યારે પણ ખેડૂત ફરી લાઈનમાં ઊભો રહેશે.