September 18, 2024

રાજેશ ચુડાસમા vs પુંજા વંશઃ કોંગ્રેસના નેતાની ભાજપના સાંસદને ખુલ્લી ચેલેન્જ

ગીર સોમનાથઃ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા પુંજા વંશે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. સાંસદ રાજેશ ચુડાસમાએ ચૂંટણીમાં જીત બાદ પહેલા વિજયી ભાષણમાં કોઈપણ વ્યક્તિનું નામ લીધા વગર કહ્યુ હતું કે, ‘ચૂંટણીમાં મને જે નડ્યાં છે અને પાંચ વર્ષ નહીં મૂકું.’ આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું અને વિવાદ શરૂ થયો હતો.

કોંગ્રેસના નેતા પુંજા વંશે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘હું ભાજપના આગેવાનોને ચેલેન્જ કરું છું કે, ગીર સોમનાથમાં જે સ્થળે, સમયે, જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કહો. સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે તેની ખબર પડે.’

કોંગ્રેસના નેતા પુંજા વંશે આભાર દર્શન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને ચેલેન્જ આપી હતી. ભાજપના સાંસદે આભાર દર્શન કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ‘ચૂંટણીમાં મને જે નડ્યા છે, તેમને પાંચ વર્ષ નહીં મૂકું. પાર્ટી હિસાબ કરે કે ના કરે, હું કરીશ.’