October 4, 2024

લોકસભા ચૂંટણી-2024 પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય સીજે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે સીજે ચાવડા વિજાપુર બેઠકના ધારાસભ્ય હતા. ગુજરાતમાં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી. જેકે ગુજરાતમાં હાલ કોંગ્રેસના માત્ર 15 ધારાસભ્યો બચ્યા છે. સીજે ચાવડા પહેલા ખંભાત બેઠક પરના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. સીજે ચાવડા 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ચાવડાના રાજીનામાને કારણે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ વધુ નબળી પડી ગઇ છે. ચાવડાના નિવેદન અનુસાર કોંગ્રેસના નેતાઓ સમયાંતરે ખોટા નિવેદનો કરે છે અને સરકારનો વિરોધ કરતા રહે છે, જે યોગ્ય નથી. થોડા દિવસ પહેલાં કોંગ્રેસે રામ મંદિરનો વિરોધ કર્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા હતા, વધુમાં કહ્યું કે મારા સિવાય કોંગ્રેસના અન્ય બીજા કેટલાક નેતાઓમાં નારાજગી છે.

આ પણ વાંચો :  INDIA ગઠબંધનની બેઠક યોજાઈ, મહારાષ્ટ્રમાં Seat Sharing ને લઈને આ રીતે બની સહમતી !

ચાવડાએ પીએમ મોદીના વખાણ કર્યા હતા
વધુમાં ઉમેર્યું કે PM મોદીના નેતૃત્વમાં ભારતમાં G20નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, ભારત દેશ સકારાત્મક રીતે આગળ વધી રહ્યો છે. ગુજરાતના બે નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ વૈશ્વિક મંચ પર દેશને આગળ લઈ જઈ રહ્યા છે. પીએમ મોદીની કામ કરવાની રીત શાનદાર રહી છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે હું મારા વિસ્તારમાં જઈને કાર્યકરોને મળીને આગળની વિકાસની રાજનીતિ નક્કી કરીશ.

ચાવડા ત્રણ વખત ધારાસભ્ય બન્યા
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સીજે ચાવડા ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચાવડા 2002માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને 2007માં ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ 2017 માં તેઓ ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા અને 2019 માં તેઓ ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે લોકસભાની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા હતા. ગત વર્ષ વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા જિલ્લાના વિજાપુરથી જીતીને ચાવડા ફરી ધારાસભ્ય બન્યા હતા. ચાવડા વ્યવસાયે વેટરનરી ડૉક્ટર છે અને ગુજરાત સરકારમાં અધિકારી હતા.

AAPના ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું
કોંગ્રેસના બે ધારાસભ્યો ઉપરાંત આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે વિધાનસભામાં માત્ર ચાર ધારાસભ્યો બચ્યા જ છે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યો, કોંગ્રેસના 15, આમ આદમી પાર્ટીના 4, સમાજવાદી પાર્ટીના એક અને ત્રણ અપક્ષ ધારાસભ્યો છે.