March 25, 2025

ખેડૂતોને વિશ્વાસમાં લઈને ઠગાઇ કરનાર શખ્સ આખરે દોઢ વર્ષે ઝડપાયો

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ચોરી અને છેતરપિંડીની ઘટનાઓમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખેડૂતો સાથે થતી છેતરપીંડીની પણ ખાસ્સી ફરિયાદો મળી રહી છે. જેને લઈને પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે, ગાંધીનગર જિલ્લામાં કેટલાય ખડૂતો સાથે છેતરપિંડી કરનાર અને છેલ્લા દોઢ વર્ષથી ભાગતા ફરતા આરોપીને ગાંધીનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજન, છેલ્લા દોઢ મહિનાથી ભાગતા ફરતા અને જિલ્લાના અનેક ખેડૂતો સાથે છેતરપિંડી આચારનાર શખ્સની ગાંધીનગર પોલીસ દ્વારા મોડાસાથી ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસને બાતમી મળી હતી કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર ભાગેડુ આરોપી અરવલ્લીના મોડાસામાં છુપાયેલો છે. બાતમી ને આધારે ગાંધીનગર પોલીસ દ્વારા મોડાસામાં દરોડા પાડીને આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી દ્વારા ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આરોપીએ ખેડૂતોને વિશ્વાસમાં લઇ માટી ભરવાના કામ અર્થે ખેડૂતો પાસેથી ટ્રેક્ટર અને કાર ભાડે લીધી હતી. જોકે, બાદમાં આરોપીએ કાર અને ટ્રેક્ટર ખેડૂતોને પરત ન કરીને આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી સામે 20 ટ્રેક્ટર અને 1 કાર ભાડે લેવાને લઈને છેતરપિંડી આચરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યારે, હવે ગાંધીનગર પોલીસે આરોપી ભીમસિંહ મનુસિંહ ચૌહાણની મોડાસાથી ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી 1 કરોડ 13 લાખ 10 હજારનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. મહત્વનું છે કે, આરોપી સામે અગાઉ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પણ નોંધાયેલ છે.