December 11, 2024

ચોમાસામાં Food Poisoningથી બચવા આટલું ખાસ કરો, નહીંતર પેટની પથારી ફરશે

Food Poisoning: ખોરાક આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે યોગ્ય પોષણ અને ઊર્જા આપે છે. તે પોષણ અને ખનિજો તત્ત્વો આપણા શરીરને પ્રદાન કરે છે. જે શરીર માટે જરૂરી હોય છે. પણ ચોમાસું સીઝનમાં ખાસ કોઈ એવો તડકો પડતો નથી. વાતાવરણમાં સતત ભેજને કારણે એક અસર એની આપણા પેટ ઉપર અને પાચનક્રિયા ઉપર પણ પડે છે. ચોમાસામાં ફૂડ પોઈઝનિંગ થવાના કિસ્સાઓ વધી જાય છે. વધારે પડતો ભેજ અને ભેજની સ્થિતિ બેક્ટેરિયા અને અન્ય રોગાણુઓ માટે અનુકુળ વાતાવરણ પૂરુ પાડે છે.

શરીર બગડે છે
ચોમાસું સીઝનમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જવાને કારણે શરીરને આડ અસર થાય છે. આવા બેક્ટેરિયા પાણી અને ફૂડમાં ભળી જતા શરીરમાં રોગ વકરે છે. ચોમાસું સીઝનમાં ભલે આપણે શુદ્ધ અને સાત્વિક ભોજન કરતા હોઈએ. પણ કેટલીક વાર શાકભાજી કે ફળફળાદીમાં નકામું મિશ્રણ થઈ જતા શરીરને માઠી અસર થાય છે. જેનો પહેલો ભોગ આપણું પાચનતંત્ર બને છે. પેટમાં ચેપ લાગે છે. પેટમાં દુઃખાવો, કડવા ઉબકા આવવા, ચેપ લાગવો, ઊલટી કે ઝાડા થવા એ ફૂડ પોઈઝનિંગના લક્ષણો છે. ક્યારેક એવા કેસમાં પેટ પણ ફૂલી જાય છે. જો તમે વારંવાર આવા ખોરાકજન્ય રોગોનો શિકાર થાવ છો, તો અમુક સ્વાસ્થ્યપ્રદ આદતો અપનાવવી જરૂરી છે.

ખાદ્યપદાર્થોને ધોઈ લો
રસોઈ બનાવવા માટે સૌથી જરૂરી પગલું સફાઈનું અનુસરવું જોઈએ. કોઈપણ ધૂળના કણો અથવા બેક્ટેરિયાને દૂર કરવા માટે, શાકભાજી, ચોખા અથવા કઠોળને પાણીથી સાફ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે આ અનુસરતા નથી, તો દૂષિત શાકભાજી ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

આ પણ વાંચો: આ રીતે બનાવો કંટોલાનું શાક, મજા આવી જશે

ડેરી ઉત્પાદનોનું ધ્યાન રાખો
ડેરી પ્રોડક્ટની અંતિમ તારીખો તપાસો અને ખાતરી કરો કે ડેરી ઉત્પાદનો રેફ્રિજરેટરમાં યોગ્ય રીતે સંગ્રહિત છે. બેક્ટેરિયલ દૂષણના જોખમને ઘટાડવા માટે પેશ્ચરાઇઝ્ડ દૂધ અને ડેરી ઉત્પાદનો પસંદ કરો.ખાસ કરીને દૂધને લગતી કોઈ વસ્તુ ખરીદો ત્યારે એની બનાવટ, કઈ તારીખે ઉત્પાદન થયું છે અને ડ્યૂ ડેટ કઈ છે તે અંગે ખાસ માહિતી રાખો. જેથી હાનિકારક બેક્ટેરિયાથી બચી શકાય.

રેફ્રિજરેટરમાં રાંધેલા ખોરાકનો સ્ટોર વ્યવસ્થિત કરો
જ્યારે કેટલાક ફૂડને રસોડામાં કે પેન્ટ્રીમાં શ્રેષ્ઠ રીતે સ્ટોર કરી શકાય છે., રાંધેલા ખોરાકને તે જ રીતે સંગ્રહિત કરી શકાતો નથી. જો રાંધેલા અથવા ગરમ ખોરાકને ઓરડાના તાપમાને ધ્યાને રાખીને સાચવવામાં ન આવે તો એ રાંધેલો ખોરાક બગડી જાય છે. રાંધેલા ખોરાક અને શાકભાજીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરવું આવશ્યક છે.

તમારા હાથ સાફ રાખો
તમારા હાથને સેનિટાઈઝ કરવાનું રાખો, ખાસ કરીને જ્યારે તમે રસોઈ બનાવતા હો, પીરસી રહ્યા હોવ અથવા ખાઓ છો ત્યારે. સ્વચ્છતા સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ, કારણ કે તેનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે.

તાજા રાંધેલા ખોરાકનું સેવન કરો
ગરમ ખોરાકમાં બેક્ટેરિયા એટલે એક્ટિવ રહેતા નથી. એટલા માટે ચોમાસું સીઝનમાં ગરમ ખોરાક જ ખાવો જોઈએ. ખાસ કરીને તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ચોમાસાની ઋતુ દરમિયાન સ્ટ્રીટ ફૂડને ટાળવું શ્રેષ્ઠ છે. સ્ટ્રીટ ફૂડમાં સફાઈની ગેરંટી હોતી નથી.