ધોધમાર વરસાદ બાદ ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પુરની અસર
નવસારી: નવસારી જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરીએ તેની સપાટી વટાવી દીધી હતી. જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત 14 ગામોમાં પુરની અસર થતા તાલુકા ભાજપના આગેવાનો તંત્ર સાથે ખભેથી ખભા મિલાવી લોકોની સેવામાં જોડાયા હતા. જેમાં બીલીમોરાના નિશાળવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ગણદેવીના ચાર ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા.
અત્યાર સુધીમાં જિલ્લામાં 900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્થિતિનો નિરીક્ષણ કરવા માટે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ બીલીમોરાના વખારીયા બંદર રોડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં લોકો અને તંત્રના અધિકારીઓ સાથે વાત કરી સમસ્યાનું સમાધાન સાથે સ્થળાંતરિત કરેલા લોકોના ભોજન તેમજ આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.
નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા માટે ખતરો ઉભો કરતી કાવેરી નદીના કારણે પાલિકાના 20% વિસ્તારને અસર કરે છે. કાવેરી નદીના કેચમેન્ટ એરિયામાં વરસેલા વરસાદના કારણે સપાટી વધતા બીલીમોરા નગરપાલિકા વિસ્તારના 10000થી વધુ લોકોને સીધી અસર થઈ હતી. હાલ જળસ્તરમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂરની સ્થિતિએ બીલીમોરા શહેરમાં વિનાશ વેર્યો છે. એમાં બંદર રોડ અને દેસરા વિસ્તાર સૌથી વધુ અસર ગ્રસ્ત વિસ્તારો બન્યા છે. બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના પાણી ઘરોમાં ભરાયા છે. બીલીમોરાના દેસરા વિસ્તારના બે યુવાનો જીવના જોખમે પોતાના વિસ્તારમાં ફરી રહ્યા છે અને જરૂરિયાત મંદોને સેવા પહોંચાડવાનું કામ કરી રહ્યા છે યુવાન તરીકે પોતાનો ધર્મ બજાવીને માનવીય ધર્મ નિભાવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ X પર માહિતી આપી છે. સોશિયલ મીડીયા મારફતે વલસાડ વહીવટી તંત્રએ લોકોને જાણકારી આપી હતી. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ આ નિર્ણય લેવાયો છે.