September 20, 2024

રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ: બંગડી બજારના શો રૂમમાં લાગી ભીષણ આગ, મચી ગઈ નાસભાગ

ઋષિ દવે, રાજકોટ: રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિના ડાઘ હજી ભુસાયા નથી ત્યારે આજે વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે. જોકે સદનસીબે આ અગ્નિકાંડમાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ શહેરમાં ફાયરસેફ્ટીને લઈને કેટલી ગંભીરતા છે તેને લઈને સવાલો ચોક્કસ ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટની બંગડી બજારમાં આવેલ શોરૂમમાં આગ લાગી હતી. હેન્ડીક્રાફ્ટના શોરૂમમાં ત્રીજા માળે આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. શોરૂમમાં ગેરકાયદેસર રીતે પતરાનો ડોમ બનાવવામાં આવ્યો હતો જેમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ આગ જોતજોતામાં હેન્ડીક્રાફ્ટનો આખેઆખો શોરૂમ ભડભડ સળગી ઉઠ્યો હતો. હેન્ડીક્રાફ્ટનો શોરૂમ હોવાથી આગ વધુ પ્રસરી હતી.

તો આગ લાગવાની માહિતી મળતાની સાથે જે 4 ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓળવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે, રાજકોટના બંગડી બજાર અને ધર્મેન્દ્ર રોડ ઉપર સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. જોકે સદનસીબે સવારનો સમય હોવાથી અને શોરૂમમાં વધારે ભીડ ન હોવાથી કોઈ જાનહાનિ નથી થવા પામી. ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હાર્દિક ગઢવીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.