સુરત જિલ્લામાં પર્યાવરણની અનદેખી, ઉદ્યોગોનું દુષિત પાણી નદી-કોતરોમાં છોડાયું

સુરત: વાત કરીએ પર્યાવરણનાં દુશમનની તો સુરત જિલ્લામાં દિન પ્રતિદિન નદી-ખાડી-કોતરોમાં ઉદ્યોગો દ્વારા બેફામ રીતે ગંદુ-દુષિત પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના કારણે ભૂગર્ભ જળને પણ અસર થઇ રહી છે. ખાસ કરીએ ગંદા પાણીના કારણે ખેતી અને જમીનને ભારે નુકશાન થઇ રહ્યું છે. ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા, પીપોદરા, મોટા બોરસરા, કોસંબા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો અને ઓલપાડ તાલુકાના સાયણ, દેલાદ, કીમ, કન્યાસી,બોલાવ જેવા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો ગંદા પાણીનો નિકાલ ખુલી ગટરોમાં કરતા આ દુષિત પાણી સીધા નદી, નાળા, કોતરો અને ખાડીમાં જાય છે અને આ પાણી ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગમાં લે છે. પરંતુ આ ગંદા પાણીના કારણે પર્યાવરણ અને ખેડૂતોની જમીન અને પાકને ભારે નુકશાન થાય છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ આ ખાડી, કોતરોની સાફ-સફાઈ નહીં થતા જલકુંભી અને જંગલી વનસ્પતિ ઉંગી નીકળતા પાણીનો નિકાલ નથી થતો અને પૂર જેવી સ્થતિ ઉભી થાય છે. ભૂતકાળમાં ઓલપાડ ટાઉનમાં આવેલા પૂર માટે ઓલપાડ તાલુકામાં ગેરકાયદે બનેલા ઝીંગા તળાવોના દબાણને માનવામાં આવે છે. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે સુરત જિલ્લામાં દુષિત પાણી અને સાફ સફાઈનો અભાવના પગલે ચાલુ વર્ષે ચોમાસામાં પૂર આવશે એવું ખેડૂતો માની રહ્યા છે. તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે ઉદ્યોગ માલિકો અને ઝીંગા ફાર્મર બેફામ બન્યા છે જેનો ભોગ પૂરનાં સમયે નાના માણસો બને છે.