October 16, 2024

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની વ્હારે એલન મસ્ક, પાર્ટીને આપ્યા કરોડોનું ફંડ

America: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા માટે મોટી રકમ આપી છે. મસ્ક દ્વારા આ દાન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે ટ્રમ્પે ચૂંટણીની રેસમાં તેમના હરીફ જો બાઇડનને પાછળ છોડી દીધા છે. બાઇડનની ફિટનેસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે પરંતુ બાઇડન પીછેહઠ કરવા તૈયાર નથી. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે જો બાઇડન પાછળ હટશે નહીં તો ટ્રમ્પને તેનો ફાયદો થશે.

ટ્રમ્પને મસ્કનું સમર્થન અમેરિકનો માટે આશ્ચર્યજનક નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારનો એક ભાગ અમેરિકા પીએસી નામના લો-પ્રોફાઇલ જૂથને આ રકમ આપી છે. મસ્કે કેટલી રકમ આપી તે સ્પષ્ટ નથી પરંતુ આંકડાઓ અનુસાર તે મોટી રકમ છે. પીએસી 15 જુલાઈએ તેના દાતાઓની યાદી જાહેર કરશે.

મસ્ક શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે તેઓ રાજકારણથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે સતત જમણેરી વિચારોનું સમર્થન કરતા અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ડેમોક્રેટિક પાર્ટી પર હુમલો કરતા જોવા મળે છે. ટ્રમ્પને મસ્કનું સમર્થન અમેરિકન લોકો માટે આશ્ચર્યજનક નથી.

આ પણ વાંચો: સમયથી પહેલા કેદીઓને જેલમાંથી કેમ મુક્ત કરશે આ દેશ? મજબૂરીમાં ઉઠાવશે પગલું

ફંડ એકઠું કરવામાં ટ્રમ્પે બાઇડનને પાછળ છોડી દીધા છે
મસ્કની મદદ બાદ ટ્રમ્પે ફંડ એકઠું કરવામાં તેમના ડેમોક્રેટિક હરીફ જો બાઇડનને પાછળ છોડી દીધા છે. આ દર્શાવે છે કે કોર્પોરેટ વિશ્વાસ હવે ટ્રમ્પ તરફ વળી રહ્યો છે. 27 જૂનની ચર્ચા પછી બાઇડનનો ભંડોળ ઊભુ કરવાનો કાર્યક્રમ લગભગ બંધ થઈ ગયો છે. આ કામમાં પાર્ટીને મદદ કરતા ઘણા લોકોએ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે અને કહ્યું છે કે જ્યાં સુધી બાઇડન પોતાની ઉમેદવારીમાંથી પાછીપાની નહીં કરે ત્યાં સુધી તેઓ કામ કરશે નહીં. એવું જ કહીને એક મોટા કોર્પોરેટ હાઉસે પણ દાન આપવાની ના પાડી દીધી છે.

મસ્કે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હજુ સુધી કોઈ ઉમેદવારને સમર્થન આપ્યું ન હતું. આ વર્ષની શરૂઆતમાં જ તેમણે કહ્યું હતું કે તેઓ આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડન કે ટ્રમ્પમાંથી કોઈની મદદ કરશે નહીં. પરંતુ હવે તેણે રિપબ્લિકન પાર્ટી માટે પોતાના નાણાકીય દરવાજા ખોલી નાખ્યા છે તે પાર્ટી માટે રાહતની વાત હશે.