December 30, 2024
ભારતે બાંધવી પડશે (ને)પાળ
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Expert Opinion: કોઈ દેશમાં સત્તા પર રહેલો નેતા બદલાઈ જાય તો એની સાથે નીતિ અને નિયત પણ બદલાઈ જાય છે. અત્યારે ચર્ચાના કેન્દ્રસ્થાને નેપાળ છે. ભારતની સાથે રોટી અને બેટીનો સંબંધ ધરાવતા નેપાળ અને ભારતની વચ્ચેનો સંબંધ વણસી જવાની હવે શા માટે ચિંતા છે ? આ દેશની ધરતી પર પાકિસ્તાનની ISI અને ભારતની RAW વચ્ચે કેવી રીતે ચાલી રહ્યું છે યુદ્ધ ? નેપાળ શા માટે વારંવાર ભારતને સુગૌલી કરારની યાદ અપાવે છે ?

તમે જીવનમાં મિત્રો પસંદ કરી શકો છો, પરંતુ પાડોશીઓ નહીં. આજે અમારે ભારતના એક પાડોશીની વાત કરવી છે. વાત નેપાળની છે. જેની સાથેના સંબંધોમાં મોટા પાયે ઉતારચઢાવ થયા કરે છે. ક્યારેક એ દોસ્તની જેમ વર્તે છે તો ક્યારેક એ દુશ્મનની જેમ વર્તે છે. એક સૂટકેસના કારણે આ સંબંધો બદલાતા રહે છે.

નેપાળમાં 2008 સુધી રાજાશાહી હતી. એ પછીથી આ દેશમાં અત્યાર સુધીમાં આ 14મી સરકાર છે. વિશ્વાસ મત હારી જતા અનેક નેતાઓએ PM પદ ગુમાવ્યું છે. એટલે હવે, લોકોને જ લોકશાહીમાં વિશ્વાસ નથી રહ્યો. રાજકીય અસ્થિરતા જોઈને નેપાળના લોકો કહે છે કે, અમારે તો લોકશાહી જ નથી જોઇતી. તેઓ ફરી રાજાશાહી લાવવાની માગણી કરે છે. આવી માગણીના મૂળમાં એક વરવી વાસ્તવિકતા છે. આખી દુનિયામાં એમ કહેવાય છે કે, નેપાળમાં એક સૂટકેસથી સરકાર બદલાઈ જાય છે. એટલે કે, તમારે સરકાર બદલવી હોય તો સંસદસભ્યોને રૂપિયા ભરેલી સૂટકેસ પહોંચાડી દેવાની. આમ તો ભારત સહિત આખી દુનિયામાં નોટના બદલામાં વોટની સમસ્યા છે. જોકે, નેપાળમાં આ સમસ્યા વધારે છે.

આ સમસ્યાના કારણે નેપાળમાં આખરે લોકો લોકશાહીના સ્થાને રાજાશાહી લાવવાની માગણી કરી રહ્યા છે. જોકે, આ રાજાશાહીને હટાવવામાં ભારતે ખાસ ભૂમિકા ભજવી હતી. JNUના ભૂતપૂર્વ પ્રોફેસર એસ. ડી. મુનીના પુસ્તક ડેબલિંગ ઇન ડિપ્લોમસીમાં આ ભૂમિકા વિશે જણાવાયું છે. નેપાળના માઓવાદી નેતાઓ ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયીને મળ્યા હતા. આ માઓવાદી નેતાઓએ ભારતને ખાતરી આપી હતી કે, નેપાળમાં લોકશાહી સ્થપાશે તો ક્યારેય ભારતના હિતોની વિરુદ્ધ નેપાળ નહીં જાય. આખરે ભારતના પ્રયાસોના કારણે જ નેપાળમાં લોકશાહી આવી હોવાનો દાવો આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

નેપાળ વાસ્તવમાં ભારત અને ચીનની વચ્ચે બફર દેશ છે. ભારત અને ચીન બંને નેપાળમાં પોતાનો પ્રભાવ વધારવાની ખૂબ કોશિશ કરે છે. બલકે ચીન તો સૂટકેસ દ્વારા સરકાર બદલી નાંખવાની કોશિશ કરે છે. એક રીતે પોતાની કઠપૂતળી સરકાર બનાવે છે. એટલે નેપાળના PM ચીનની ચાલ ચાલે છે. હવે, વધુ એક વખત ચીન એની આ ચાલમાં સફળ રહ્યું છે.

કે. પી. શર્મા ઓલીને ફરી નેપાળના PM બનાવવામાં ચીન સફળ રહ્યું છે. ચીનના સપોર્ટર ઓલી ચોથી વખત નેપાળના PM બન્યા છે. સૌથી પહેલાં તેઓ 2015માં PM બન્યા હતા. એ પછી 2018માં તેઓ ફરીથી ચૂંટાયા. એ પછી 2021માં ફરી તેમની નિમણૂક થઈ. અલબત્ત તેઓ વધારે સમય સુધી સત્તા પર ન રહ્યા. હવે, ઓલી ફરી એક વખત સફળ થયા છે. એટલે કે, નેપાળની જનતા એક રીતે ઓલીને ફગાવવાનો પ્રયાસ કરે, પરંતુ તેઓ કોઈને કોઈ રીતે ફરી PM બની જાય છે. ઓલીના માથે ચીનનો હાથ હોવાના કારણે જ તેઓ વારંવાર PM બનતા હોવાની ચર્ચા છે. હવે, સવાલ એ છે કે, ઓલી નેપાળના નાથ બનતાં ભારતે શા માટે પાળ બાંધવાની જરૂર છે ?

આ સવાલના જવાબમાં ઓલીની ભૂતકાળની હરકતો છે. ઓલીએ નેપાળમાં રહેતા મૂળ ભારતીયોને ભૂતકાળમાં સેકન્ડ ક્લાસ સિટિઝન્સ ગણાવ્યા હતા. એટલું જ નહીં તેમણે ભૂતકાળમાં એવો પણ દાવો કર્યો હતો કે, ભગવાન શ્રીરામ મૂળ નેપાળના છે. શ્રીરામ ભારતના હોવાનો દાવો ખોટો છે. અમે તો કહીશું કે, શ્રીરામ આખા વિશ્વના છે. તેઓ આખી દુનિયા માટે આદર્શ છે.

ઓલીને શ્રીરામ સદબુદ્ધિ આપે એ જરૂરી છે. તેમણે કુબુદ્ધિનો ઉપયોગ કર્યો તો તેમને રાજકીય કાલાપાનીની સજા પણ મળી હતી. તેમની સરકારે કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખને નેપાળના ભાગ ગણાવતો નવો નકશો જારી કર્યો હતો. આ ત્રણેય ભાગ ભારતના છે. ઓલીની સરકારે આ ત્રણેય ભાગને નેપાળના વિસ્તારો ગણાવ્યા હતા. જેના પછી તરત જ ઓલીની સરકારનું પતન થયું. ખૂદ ઓલીએ એ સમયે દાવો કર્યો હતો કે, આ નવા નકશાના કારણે તેમની સરકારનું પતન થયું. તેઓ ચીનના પૈસાના પાવરથી સત્તા પર આવ્યા, પણ સવાલ એ છે કે, તેમની સરકાર કેવી રીતે ગઈ ? ખેર, ભારત માટે સારું જ છે કે, ટાઢા પાણીએ ખસ જતી રહી હતી. જોકે, તેઓ સત્તા પર પાછા આવી ગયા છે.

વાસ્તવમાં ચેલો હંમેશા ગુરુ પાસેથી જ શીખતો હોય છે. ચીન પણ અવારનવાર ખોટા નકશા બહાર પાડતું રહે છે. અરુણાચલ પ્રદેશ સહિત ભારતના અનેક ભાગ પર આ રીતે ચીન દાવો કરતું રહે છે. નકશામાં ભારતના ભાગોને ચીનના પોતાના પ્રદેશ ગણાવતું રહે છે. જોકે, ખોટા નકશાથી વાસ્તવમાં સીમા બદલાઈ જતી નથી. અલબત્ત જિનપિંગના શિષ્ય ઓલીએ પણ ખોટા નકશા જાહેર કર્યા.

ઓલીએ ભારતના પ્રદેશો પર નજર બગાડી, પરંતુ તેમના રાજમાં ચીને નેપાળના ખાસ્સા વિસ્તારો પર કબજો કરી દીધો છે. આ બાબતે ઓલી મૌન જ રહ્યા છે. ચીને એની સલામી સ્લાઇસિંગ વ્યૂહરચનાનો અમલ કરીને નેપાળના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે. આ વ્યૂહરચના હેઠળ ચીન પાડોશી દેશોની વિરુદ્ધ નાના-નાના મિલિટરી ઑપરેશન પાર પાડે છે. એ રીતે ધીરેધીરે આખા વિશાળ વિસ્તાર પર કબજો કરી લે છે. એ ઑપરેશન એટલા નાના લેવલે હોય છે કે એનાથી યુદ્ધની આશંકા રહેતી નથી. આ રણનીતિ વિશે વધુ સમજીએ. ચીન આ રણનીતિ મુજબ બે ડગલાં ચાલીને અમુક વિસ્તાર પચાવી પાડે. કોઈ દેશ વિરોધ કરે તો એક ડગલું પાછળ હટી જાય. આમ છતાં એ એક ડગલું તો આગળ જ રહે છે. ચીને આ રીતે નેપાળના કુતી એરિયા પર કબજો કરી દીધો છે. ચીન ત્યાં બિલ્ડિંગ્ઝ અને રસ્તાઓ બનાવી રહ્યું છે. એ સિવાય લિમિ અને લિમ્બુવન સહિત નેપાળના અનેક વિસ્તારો પણ ચીને પચાવ્યા છે.

ઓલીના રાજમાં નેપાળ એક રીતે ચીનના ખોળામાં બેસી ગયું હતું. ચીને ચૂપચાપ નેપાળના વિસ્તારો કબજે કરી દીધા. આમ છતાં ઓલીએ પોતાની આંખો બંધ રાખી દીધી હતી. કદાચ ચીને તેમને અનેક સૂટકેસ મોકલી હશે.

ઓલીના રાજમાં હવે ભારત માટે સૌથી મોટી ચિંતા ચીનના પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની છે. ઓલી આ પ્રોજેક્ટના અમલ માટે કરાર કરશે કે નહીં એના પર ભારતની નજર રહેશે. ભારતનો પ્રયાસ રહેશે કે નેપાળ આ કરાર ના કરે. કેમ કે, આ જ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પણ છે. જે આપણા POKમાંથી પસાર થાય છે. નેપાળ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં આમ તો 2017માં જ જોડાઈ ગયું હતું. 2019 સુધીમાં નવ પ્રોજેક્ટ નક્કી પણ કરાયા. જોકે, અત્યાર સુધીમાં એક પણ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી. એનું કારણ એ છે કે, નેપાળે અત્યાર સુધીમાં ચીનની સાથે આ પ્રોજેક્ટના અમલ માટે એગ્રીમેન્ટ કર્યો નથી. હવે, ઓલી આ એગ્રીમેન્ટ કરે એવી શક્યતા છે.

ઓલી નેપાળના PM બનવાની સાથે જ ભારતની ચિંતા વધી ગઈ છે. જેના માટેનું સૌથી મોટું કારણ ભારત અને નેપાળ વચ્ચેની ઓપન બોર્ડર છે. ભારતીયો અને નેપાળીઓ એકબીજાના દેશમાં સરળતાથી આવનજાવન કરી શકે એ માટે બોર્ડરને ખુલ્લી રાખવામાં આવી છે. જોકે, આ જ ઓપન બોર્ડર પરથી પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા રહે છે. આ વર્ષે એપ્રિલમાં જ ઉત્તર પ્રદેશની એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડે નેપાળ સરહદ પાસેથી ત્રણ પુરુષોની ધરપકડ કરી હતી. આ ત્રણ આતંકવાદીઓએ ભારતને વિસ્ફોટોથી ધ્રુજાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ ત્રણ આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની નાગરિકો હતા. તેમની પાસે બનાવટી ભારતીય ઓળખપત્રકો હતા. ભૂતકાળમાં પણ આ રીતે નેપાળ બોર્ડર પરથી અનેક આતંકવાદીઓ ઝડપાયા છે.

આતંકવાદીઓ જ નહીં જુદા-જુદા દેશોના જાસૂસો પણ આ બોર્ડર પરથી ઝડપાયા છે. થોડાક દિવસ પહેલાં જ ભારત-નેપાળ વચ્ચેની બોર્ડરથી ઉત્તર પ્રદેશમાં ઘૂસણખોરી કરતો એક ચાઇનીઝ ઝડપાયો હતો. પોલીસે યો ફેંગહો નામના આ ચાઇનીઝ પુરુષનો ફોન તપાસ્યો હતો. જેના પરથી ખ્યાલ આવ્યો હતો કે, તે જાસૂસી કરવા માટે ચીનમાંથી ભારતમાં ઘૂસ્યો હતો.

હવે, ઓલીના રાજમાં નેપાળ ચીનનું પ્યાદુ બની જાય તો એનાથી ભારતની મુશ્કેલી વધી જાય. ભારતની મુશ્કેલી વધારવામાં ચીન કોઈ કચાશ રાખતું નથી. આ પહેલાં ચીને મ્યાનમારના માર્ગેથી મણિપુરમાં બળવાખોરોને હથિયારો પહોંચાડ્યા હતા. હવે, એ જ રીતે ચીન નેપાળનો પણ ઉપયોગ કરી શકે છે. વળી, આ કામમાં આતંકવાદની ફેક્ટરી ધરાવતું પાકિસ્તાન પણ મદદ કરી શકે છે. ભારત અને નેપાળની બોર્ડરનો આતંકવાદીઓના એન્ટ્રી પોઇન્ટ તરીકે ઉપયોગ થવાનું જોખમ હવે અનેક ગણું વધી ગયું છે.

આ જોખમને દૂર કરવા માટેની સૌથી મોટી જવાબદારી હવે ઇન્ટેલિજન્સ એજન્સીઓની છે. જેમાં RAW પણ સામેલ છે. નેપાળની ધરતી વાસ્તવમાં જાસૂસોનું પ્લેગ્રાઉન્ડ છે. જ્યાં પાકિસ્તાનની ISI અને અમેરિકાની CIA સહિત જુદા-જુદા દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સક્રિય છે.

ભૂતકાળમાં કાઠમંડુમાં પાકિસ્તાની ડિપ્લોમેટના ઘરમાંથી જ ખૂબ જ મોટા પ્રમાણમાં RDX મળી આવ્યું હતું. આ RDX ભારતમાં આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવવાનું હતું એવી ચર્ચા હતી. જોકે, આ કાવતરું ફેલ કરવામાં આવ્યું. પાકિસ્તાની દુતાવાસમાં ફર્સ્ટ સેક્રેટરી મુહમ્મદ અર્શદ ચીમાના ઘરેથી RDX મળ્યું હતું. આ ઘટનાથી વિદેશી જાસૂસો કાઠમંડુમાં ખૂબ જ સક્રિય હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટનાથી નેપાળની ધરતી પર ભારત અને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીઓ એક રીતે યુદ્ધ લડી રહી હોવાનું બહાર આવ્યું હતું. પાકિસ્તાનની ISIએ જ આ ડિપ્લોમેટને RDX મોકલાવ્યું હતું. આ RDXને નેપાળમાંથી ભારતમાં મોકલવાની જવાબદારી આ ડિપ્લોમેટની હતી. જોકે, આટલા મોટા પ્રમાણમાં RDX આતંકવાદીઓની પાસે પહોંચી ગયું હોત તો ભારતમાં અનેક વિસ્ફોટો થયા હોત.

RAWના બહાદુર એજન્ટ્સે આખા કાવતરાને ફેલ કરી દીધું. તેમણે કાઠમંડુ પોલીસને RDX વિશે જાણ કરી. કહેવામાં આવી રહ્યું છે કે, RAWના એજન્ટ્સ વિના કાઠમંડુ પોલીસ પોતાની રીતે આ RDX સુધી ના પહોંચી શકી હોત. RAWએ નેપાળની ધરતી પરથી ભારત વિરોધી અનેક કાવતરાંને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનમાંથી બનતી નકલી ચલણી નોટો વાસ્તવમાં નેપાળ સાથેની બોર્ડર થઈને જ ભારતમાં ઘૂસાડવામાં આવે છે. 1999માં કાઠમંડુમાં નેપાળ પોલીસે બીજા એક પાકિસ્તાની ડિપ્લોમેટની ધરપકડ કરી હતી. તેની પાસેથી બનાવટી ઇન્ડિયન કરન્સી નોટ્સ મળી આવી હતી. આ મામલે પણ RAWના એજન્ટ્સે જ નેપાળ પોલીસને ઇનપુટ્સ આપ્યા હોવાની ચર્ચા છે. હવે, ઓલીના રાજમાં RAWએ વધારે અલર્ટ રહેવું પડશે. ભૂતકાળમાં ભારતીય એજન્ટ્સને ઇનપુટ્સ મળે એટલે તેઓ નેપાળની પોલીસને જાણ કરે. નેપાળની પોલીસ તરત જ એક્શન લઈ લે. જોકે, હવે, ચીન અને પાકિસ્તાનની સાથે નેપાળ પાક્કી દોસ્તી કરે તો ભારત માટે મુશ્કેલી થઈ શકે છે.

ISI અને RAW સિવાય ચાઇનીઝ જાસૂસો અને અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIA પણ નેપાળમાં ખૂબ જ એક્ટિવ છે. અધૂરામાં પૂરું ભૂતાનના અધિકારીઓ પણ સક્રિય છે. લોકેશનના કારણે જ નેપાળનું ખાસ મહત્ત્વ છે. વળી, અહીં જેમ એક સુટકેસથી સરકાર પડી જાય કે નવી સરકાર બની જાય એમ સહેલાઈથી બાતમીદાર પણ મળી જાય. એટલે જ આ વિદેશી જાસૂસી એજન્સીઓ થોડા રૂપિયા આપે કે તરત જ તેમને બાતમી મળી જાય છે. વળી, સરકારી અધિકારીઓ પણ રૂપિયા માટે બાતમી આપે છે.

ભૂતકાળમાં નેપાળમાં જ્યારે પણ ભારત તરફી સરકારો રહી છે ત્યારે ISIની ગતિવિધિ પર અંકુશ મૂકવા માટે પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જોકે, હવે ઓલીના રાજમાં આવા પ્રયાસોની અપેક્ષા ન રાખી શકાય. આવી સ્થિતિમાં ભારતે પણ નેપાળમાં પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ નેપાળના નવા નાયબ PM પ્રકાશ માન સિંહ અને વિદેશ મંત્રી આરઝુ રાણાને મળ્યા હતા. તેમણે એ રીતે નેપાળના સંબંધો ભારતની સાથે મજબૂત જ રહે એની ખાતરી રાખવાની કોશિશ કરી હતી. ભારત નેપાળને દશકાઓથી ખૂબ જ મદદ કરે છે. ભારતની સહાયથી નેપાળમાં મહત્ત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ભારત એક રીતે નેપાળ સાથેના સંબંધો મજબૂત રાખવા ખૂબ મહેનત કરે છે. જોકે, ભારત અને નેપાળ વચ્ચે સરહદનો પણ વિવાદ ચાલી રહ્યો છે.

ભારતમાં અગ્નિવીર યોજનાનો ખૂબ જ વિરોધ થયો હતો. જેનો તમને સ્વાભાવિક રીતે ખ્યાલ હશે. જે પછી એમાં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા હતા. નેપાળે પણ અગ્નિવીર યોજનાનો ભારે વિરોધ કર્યો હતો. નેપાળે ભારતીય આર્મી માટે મૂળ નેપાળના ગોરખાઓને મોકલવાની ના પાડી દીધી હતી. વાત વધારે વણસી. નેપાળે નક્કી કર્યું કે, ભારત સાથેના સંબંધો ખરાબ જ કરવા છે. એટલે નેપાળે 100 રૂપિયાના મૂલ્યની નવી કરન્સી નોટ પણ જાહેર કરી દીધી. આ કરન્સી નોટમાં રહેલા નેપાળના નકશામાં ભારતના ત્રણ વિસ્તાર કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા બતાવાયા હતા.

ભારત અને નેપાળની વચ્ચે રોટી બેટીના સંબંધો છે. એટલે કે બંને દેશોના લોકોની વચ્ચે પારિવારિક સંબંધો છે. જોકે, કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ જ બંને દેશોના સંબંધો વચ્ચે વિવાદનું મૂળ છે. ભારતનાં પાંચ રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને અડીને નેપાળની સરહદ છે. નેપાળ સાથેના સંબંધો સુધારવા પર ભારત ખાસ ભાર મૂકે છે.

જયશંકર ભારપૂર્વક જણાવે છે કે, નેપાળ સાથેના સંબંધો મજબૂત જ છે. જોકે, આ સંબંધોમાં ઉતારચઢાવ આવ્યા કરે છે. જેમ કે, ભારતે નવેમ્બર 2019માં પોલિટિકલ મેપ જારી કર્યો હતો. જેનાથી નેપાળ અકળાયું હતું. કેમ કે, ભારતે આ મેપમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશો ગણાવ્યા હતા. નેપાળે આ નકશાનો વિરોધ કર્યો હતો. નેપાળે દલીલ કરી હતી કે, 1816ના સુગૌલી કરાર મુજબ એ વિસ્તારો નેપાળના છે. હવે, જો નેપાળ 1816ના કરારનો ઉલ્લેખ કરીને આ વિસ્તારો પર દાવો કરતું હોય તો પછી ભારતે તો ખરેખર બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર દાવો કરી દેવો જોઈએ. એવી સ્થિતિમાં રશિયાને પણ યુક્રેન પર યુદ્ધ કરવાનો અધિકાર છે.

નેપાળ વારંવાર સુગૌલી કરારની વાત કરે છે ત્યારે આ કરારને સમજવો પડે. જેના માટે આપણે ઇતિહાસનાં પુસ્તકોનાં પાનાં પલટાવવાં પડે. 1765માં નેપાળમાં પૃથ્વીનારાયણ શાહે ગોરખા સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તેમના જ નેતૃત્ત્વમાં ગોરખાઓએ નેપાળમાં નાના રજવાડા જીત્યા હતા અને એને જોડી દીધા. 1790માં ગોરખાઓએ તિબેટ પર આક્રમણ કર્યું હતું. ચીને તિબેટનો સાથ આપ્યો હતો. ચીને 1792માં ગોરખાઓને કરાર કરવા મજબૂર કરી દીધા. ગોરખાઓને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા. એટલે તેઓ ભારતમાં આવ્યા. 25 વર્ષમાં જ ગોરખાઓએ ભારતના સિક્કિમ, ગઢવાલ અને કુમાઉં ક્ષેત્ર પર કબજો કરી લીધો હતો. એ સમયે ભારતમાં અંગ્રેજોનું રાજ હતું. એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે લડાઈ શરૂ થઈ. આ લડાઈ 1814થી 1816 સુધી ચાલી. આ લડાઈમાં નેપાળે મોટા ભાગનો વિસ્તાર ગુમાવવો પડ્યો. જોકે, ગોરખાઓએ એ વિસ્તારો ભારત પાસેથી જ છીનવી લીધા હતા. યુદ્ધ દરમ્યાન જ 1815માં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે કરાર થયો. બિહારના ચંપારણમાં સુગૌલી શહેરમાં આ કરાર થયો હતો. આ કરારનો 1816ની ચોથી માર્ચે અમલ થયો હતો. આ કરારના કારણે નેપાળે સિક્કિમ, ગઢવાલ અને કુમાઉં પરનો કન્ટ્રોલ છોડવો પડ્યો. સુગૌલી કરારમાં નક્કી થઈ ગયું કે, નેપાળની સરહદ પશ્ચિમમાં મહાકાલી અને પૂર્વમાં મેચી નદી સુધી રહેશે. જોકે, યોગ્ય રીતે આખી બોર્ડર નક્કી ન કરાઈ. જેના કારણે ભારત અને નેપાળની વચ્ચે આજે પણ 54 જગ્યાઓનો વિવાદ છે. જેમાં કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ, ટનકપુર અને સંદકપુર જેવા વિસ્તારો ખાસ છે. આ વિવાદાસ્પદ સ્થળોનો કુલ વિસ્તાર લગભગ 60 હજાર હેક્ટર છે.

ભારત અને નેપાળની વચ્ચે હવે એક રોડને લઈને પણ વિવાદ થયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને ઉત્તરાખંડમાં ધારચૂલા-લિપુલેખ રોડ બનાવ્યો છે. ઓફિશિયલી કહેવામાં આવ્યું છે કે, કૈલાસ માનસરોવર યાત્રાના શ્રદ્ધાળુઓ માટે આ રોડ બનાવાયો છે. જેનાથી યાત્રા કરવાનો સમય ઓછો લાગશે. વળી, શ્રદ્ધાળુઓએ મુશ્કેલ રસ્તાઓ પર જવું નહીં પડે. વાસ્તવમાં ભારતે એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તરફ શ્રદ્ધાળુઓને સાચવી લીધા છે. બીજી તરફ વ્યૂહાત્મક રીતે પણ આ રોડનું ખૂબ જ મહત્ત્વ છે. આ નવા રોડ અને ચીન સાથેની બોર્ડરની વચ્ચે થોડાક જ કિલોમીટરનું અંતર છે. એટલે કે, ઇમર્જન્સીની સ્થિતિમાં ભારત આ રોડનો ઉપયોગ કરીને સહેલાઈથી પોતાના જવાનોને બોર્ડર પર મોકલી શકશે.

જીયોપોલિટિક્સમાં દેશના હિતો સર્વોપરી હોય છે. ભારત અને નેપાળ પોતપોતાના હિતોને જ ધ્યાનમાં રાખે છે. મૂળ ચિંતા ચીનની ચાલની છે. માલદિવ્સની જેમ નેપાળ પણ ચીનનો હાથો ન બની જાય એનો ભારતે ખાસ ખ્યાલ રાખવો પડશે.