October 13, 2024

રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Rajkot: રાજ્યભરમાં વરસાદી માહોલ છે. ત્યારે રાજકોટમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ વરસાદે ભારે તારાજી છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાના કારણે BRTS કોરીડોરમાં એમ્બ્યુલન્સ ફસાઈ જવાની ઘટના પણ સામે આવી હતી. જોકે, વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી છે.

રાજકોટ શહેરમાં અવિરત વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા છે. નોંધનીય છે કે રાજકોટ 7.5 ઈંચ વરસાદને કારણે જળબંબાકાર છે. ત્યારે રેલવે સ્ટેશન પાસેનો હંસરાજનગર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. સાથે જ કાર સહિતના વાહનો પાણીમાં ડૂબ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજકોટના અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જોકે, કોર્પોરેશન તેમજ કલેક્ટર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ શહેર સહિત જિલ્લાના જેતપુર તાલુકામાં ભારે વરસાદ છે. આ સિવાય નવાગઢ, રાજકોટ રોડ, તીનબત્તી ચોક વિસ્તારમાં વરસાદ છે. જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તો જેતલસર, સાંકળી, પેઢલા, મંડલીકપુર, ખીરસરામાં વરસાદમાં પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.

રાજકોટમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાની પણ સમસ્યા સામે આવી છે. તમને જણાવી દઈએ કે નાના મૌવા રોડની સોસાયટીના ઘરો સહિત પોષ વિસ્તાર ગણાતા સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પાણી ભરાયા છે. આખી રાત લોકોએ પાણી બહાર કાઢવામાં વિતાવી છે. મળતી માહિતી અનુસાર ડીઆઈ પાઇપલાઇનનાં અધૂરા કામોને કારણે રસ્તાઓ પર નદી વહી રહી છે. સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

રાજકોટ શહેરમાં અવિરત મેઘમહેર યથાવત છે તો અનેક નીચાણવાણા વિસ્તારો પાણીમાં ભરાયા છે. જ્યારે પ્રાચીન રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રાજકોટમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરના ત્રણ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે.