October 11, 2024

ઠંડી રમી રહી છે સંતાકૂકડી, ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે

અમદાવાદ: ઉનાળો હવે દસ્તક દઈ રહ્યો છે. ત્યારે ઠંડી સંતાકૂકડીની રમત રમી રહી છે. દિવસે તડકો અને સવારે અને રાતે ઠંડી જોવા મળી રહી છે. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર ફરી એક વાર દિલ્હીમાં ઠંડી પડી શકે છે. તેની સાથે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

શીત લહેર ચાલુ
વરસાદ, હિમવર્ષા અને તીવ્ર પવનને કારણે, પર્વતોમાં શીત લહેર ચાલુ થઈ ગઈ છે. દિલ્હીમાં તેજ પવન સાથે ઝરમર વરસાદ પડવાની સંભાવનાઓ છે. આજના દિવસે આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો વરસાદ પડશે તો ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. સોમવારે લાહૌલ સ્પીતિ, કિન્નૌર, ચંબા, કાંગડા, શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગએ આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હાલ વાતાવરણ ડ્રાય રહેશે, વરસાદની કોઇ શક્યતા નથી. તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે-ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં આજથી, 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે. હોળી સુધી જૂનાગઢ, રાજકોટ, અમરેલીના આજૂબાજૂના વિસ્તારોમાં ઠંડી જોવા મળશે. આગામી દિવસોમાં કરા અને ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.