દિલ્હીમાં ગરમીથી હાલત ખરાબ, UP-બિહારમાં આપ્યું વરસાદનું એલર્ટ

Delhi: દેશભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક કાળઝાળ ગરમી તો કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ મહિને પણ આવી જ સ્થિતિ રહેવાની છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારાને કારણે લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હી ગરમીમાં વધારો નોંધાશે.

દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 33-35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15-17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 26 માર્ચથી હવામાનમાં ફેરફાર થઈ શકે છે. દિલ્હીમાં 26 માર્ચથી આકાશ વાદળછાયું રહેશે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળશે. જો કે તે પહેલા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જ્યારે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ
યુપીનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. આ સિવાય સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 24-25 માર્ચના રોજ વરસાદ અને તેજ પવનની શક્યતા છે. બિહારમાં પણ વરસાદ જેવી સ્થિતિ યથાવત છે. પટના સ્થિત હવામાન કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના 33 જિલ્લામાં આજે 7 જિલ્લામાં કરા પણ પડી શકે છે. આવી સ્થિતિમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: આજે કર્ણાટક બંધનું એલાન, શું ખુલ્લું રહેશે અને શું બંધ?

રાજસ્થાનમાં ફરી એકવાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. ગઈકાલે રાત્રે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 માર્ચ પછી રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. IMD એ શનિવારે તેલંગાણાના ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત 24 માર્ચની સવાર સુધી વાવાઝોડા, કરા અને ભારે પવનની ચેતવણી આપવામાં આવી હતી. આ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં શનિવાર સુધી આંધી અને વરસાદની સંભાવના છે.