December 3, 2024

ખનૌરી બોર્ડર પર ગોળીબારમાં બે ખેડૂતોના મોત, પોલીસે અફવા ગણાવી

Farmers Delhi March: કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવાનો ઈન્કાર કર્યા બાદ ખેડૂતો આજે સવારે 11 વાગે દિલ્હી તરફ કૂચ કરશે. શંભુ બોર્ડર પર પ્રદર્શન માટે ખેડૂતોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પોકલેન અને જેસીબી સાથે લગભગ 1200 ટ્રેક્ટર તૈનાત છે. ખેડૂતો થોડા સમય પછી કિસાન માર્ચ શરૂ કરશે. આ માટે હાઇડ્રોલિક ક્રેન, જેસીબી અને બુલેટપ્રુફ પોકલેન જેવી ભારે મશીનરી શંભુ બોર્ડર પર લાવવામાં આવી છે. બીજી બાજુ પંજાબ હરિયાણા હાઈકોર્ટે ખેડૂતોની માર્ચને રોકવાનો આદેશ આપ્યો છે.માહિતી અનુસાર ખેડૂત આંદોલનમાં સામેલ 14 હજાર ખેડૂતો આજે તેમના 1200 ટ્રેક્ટર સાથે ફરી આગળ વધવાનો પ્રયાસ કરશે. ખેડૂતોની ચલો દિલ્હી માર્ચને પગલે શંભુ અને ખનૌરી બોર્ડર પર ખાસ એલર્ટ છે. પંજાબના DGPએ તમામ રેન્જના ADG, IGP અને DIGને પત્ર લખીને પોકલેન, જેસીબી, ટીપર અને હાઈડ્રા જેવા ભારે વાહનોને કોઈપણ સંજોગોમાં પંજાબ-હરિયાણાની ખનૌરી અને શંભુ બોર્ડર તરફ આગળ વધવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે.

ખનૌરી બોર્ડર પર બે ખેડૂતોના મોત થયા, પોલીસે કહ્યું આ એક અફવા છે
મળતી માહિતી મુજબ ખનૌરી બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં બે ખેડૂતોને ગોળી વાગતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું અને 20થી વધુ ખેડૂતો ઘાયલ થયા છે. પોલીસે ઘણા ખેડૂતોની ધરપકડ કરીને હરિયાણા લાવી છે. બોર્ડ પર સ્થિતિ કાબૂમાં લાવવા માટે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. ઘણા ખેડૂતો ખેતરોમાંથી સરહદ પાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, જેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. મૃત્યુ પામનાર ખેડૂત ખનૌરીના હોવાની માહિતી મળી છે. હાલમાં સ્થિતિ એટલી વણસી ગઇ છે કે પોલીસ સતત ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જ કરી રહી છે. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. જેસીબી દ્વારા બોર્ડર પરના બેરિકેડ હટાવવાનો ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણા પોલીસે દાતા સિંહવાલા-ખનૌરી બોર્ડર પર બે ખેડૂતોના મોતને અફવા ગણાવી છે. પોલીસનું કહેવું છે કે બે પોલીસકર્મી અને એક પ્રદર્શનકારી ઘાયલ થયા છે. બીજી બાજુ પોલીસ અધિક્ષક સુમિત કુમારે જણાવ્યું કે હાલમાં કોઈ ખેડૂતનું મૃત્યુ થયું નથી અને એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ છે. ખેડૂતોએ ડાંગરના ભૂસાને આગ લગાવીને અને તેમાં મરચાં નાખીને પોલીસ પર હુમલો કર્યો છે. આ ઉપરાંત અનેક ખેડૂતોએ પોલીસ પર તલવાર અને છરા વડે હુમલો પણ કર્યો છે. અત્યાર સુધીમાં 10 જેટલા પોલીસ ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેન્દ્ર સાથે વાતચીત અંગે કોઈ સહમતિ ન હતી.
કેન્દ્રીય મંત્રીઓ સાથેની વાતચીત અંગે ખેડૂત સંગઠન એકમત નથી. કેટલાક ખેડૂત આગેવાનો મંત્રણા માટે તૈયાર છે પરંતુ કેટલાકનું માનવું છે કે સરકાર સાથેની મંત્રણામાં હજુ સુધી કોઈ મુદ્દો ઉકેલાયો નથી. સાથે સાથે ખેડૂત જૂથના એગવાનનું કહેવું છે કે યુવાનો ખૂબ જ ઉશ્કેરાયેલા છે અને જો વિરોધ સ્થળ પરથી આગળ વધતા પોલીસ દ્વારા તેને રોકવમાં આવશે તો તેઓ હંગામો મચાવશે. બીજી બાજુ હરિયાણા પોલીસ ફરી એકવાર પંજાબના અધિકાર ક્ષેત્રમાં ડ્રોન દ્વારા ટીયર ગેરના શેલ ફેંકી રહી છે. નોંધનીય છે કે પંજાબ પહેલા જ આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે.

દિલ્હી કૂચ થોડા સમય માટે સ્થગિત
કેન્દ્ર સરકારના આમંત્રણ બાદ ખેડૂતોએ તેમની દિલ્હી તરફની કૂચ થોડા સમય માટે મોકૂફ રાખી છે. માહિતી અનુસાર ખેડૂતો પટિયાલા પ્રશાસન સાથે વાતચીત કરી રહ્યા છે. કૃષિ મંત્રી અર્જુન મુંડા સાથેની મુલાકાત બાદ ખેડૂત નેતાઓ સાથે વાતચી માટે બેઠક શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર જ્યાં સુધી આ બેઠક પૂરી નહીં થાય ત્યાં સુધી ખેડૂતો આગળ નહીં વધે. પોલીસ અને સુરક્ષા દળોએ પણ શંભુ બોર્ડર પર કડકાઈ વધારી દીધી છે. બીજી બાજુ AIG મનીષા ચૌધરીએ કહ્યું કે હરિયાણા પોલીસે પંજાબ સાથેની તમામ સરહદો પર પોલીસ જવાનોને તૈનાત કર્યા છે. ખેડૂતો શાંતિપૂર્વક વિરોધ કરી શકે છે અને કાયદો હાથમાં લેવો જોઈએ નહીં. વધુમાં કહ્યું કે અમને માહિતી મળી કે ખેડૂતો વિરોધ સ્થળે ભારે મશીનરી લાવ્યા છે અને અમે પંજાબ પોલીસને વિનંતી કરી છે કે આવી મશીનરીને મંજૂરી ન આપે. અમે ફરીથી ખેડૂતોને અપીલ કરીએ છીએ કે વિરોધ સ્થળે ભારે મશીનરી ન લાવો. અમે પંજાબ પોલીસના સતત સંપર્કમાં છીએ અને તેમની સાથે માહિતી શેર કરીએ છીએ.

ખેડૂતો પાણીપતથી શંભુ બોર્ડર ગયા
મંગળવારે સવારે પાણીપતના ખેડૂતો ભારતીય કિસાન યુનિયનના બેનર હેઠળ ખાનગી વાહનોમાં રવાના થયા હતા. માહિતી અનુસાર ખેડૂત આગેવાન હરેન્દ્ર રાણા અને અન્ય નેતાઓની આગેવાનીમાં દસ વાહનોમાં ખેડૂતો રવાના થયા હતા સાથે સાથે ખેડૂતો અલગ અલગ જગ્યાએથી ખાનગી વાહનોમાં પહોંચી ગયા છે. કિસાન ભવનમાં પોલીસ તૈનાત રહી હતી અને ડીએસપી હેડક્વાર્ટર ધર્મબીર ખર્બ પોલીસ ફોર્સ સાથે વાહનોનો પીછો કર્યો હતો. ખેડૂતોએ ચેતવણી આપી હતી કે જો પોલીસ પ્રશાસને તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ તમામ બ્લોક તોડી નાખશે. બીજી બાજુ ભારતીય કિસાન યુનિયન પંજાબના ખેડૂતોની મદદ માટે આગળ આવ્યું છે.

ટ્રેક્ટરોને પીછેહઠ કરવાનો આદેશ
ખેડૂત સંગઠનોના આગેવાનોએ જાહેરાત કરી છે કે તેઓ ટ્રેક્ટર બંધ કરશે અને ખેડૂત આગેવાનો પગપાળા દિલ્હી તરફ આગળ વધશે અને ટ્રેક્ટર આગળ નહીં જાય. હરિયાણા પોલીસ દ્વારા પાંચ મિનિટ સુધી સતત ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા, ત્યારબાદ ખેડૂત નેતાઓએ આગળ વધતા યુવાનોને બે ડગલાં પાછળ હટવા કહ્યું હતું. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે તેઓ સરકાર તરફથી વાતચીત માટેના પ્રસ્તાવ માટે થોડીવાર રાહ જોશે. બીજી બાજુ હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ફરી ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડ્યા છે. ખેડૂતો ડ્રોનને ફસાવવા માટે પતંગ ઉડાવી રહ્યા છે. જ્યારે ખેડૂતોએ પતંગની દોરી વડે ડ્રોનને ફસાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રોન પાછું ગયું હતું. ખેડૂતોએ ગોફણની પણ વ્યવસ્થા કરી છે.

સરકાર ખેડૂતો સાથે ફરી વાતચીત કરશે
કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે સરકાર ખેડૂતો સાથે પાંચમા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે. નોંધનીય છે કે અગાઉ પણ ચાર વખત ખેડૂતોની માંગણીને લઇને સરકારે વાતચીત કરી હતી. મુંડાએ કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ શાંતિ જાળવવી ખૂબજ જરૂરી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 13 મુદ્દાની માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી 10 પર સંમતિ આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ માંગણીઓ પૂરી કરવા માટે સમયની જરૂર છે. જો કે, સરકારે MSP ગેરંટી અંગે ખેડૂતોને એક ફોર્મ્યુલા પણ રજૂ કરી હતી. મળતી માહિતી મુજબ ખેડૂતોના આંદોલનને લઈને હરિયાણા સરકાર ફરી હાઈકોર્ટ પહોંચી છે. શંભુ અને ખનૌરી બોર્ડર પર મોટી સંખ્યામાં સંશોધિત ટ્રેક્ટર અને ટ્રોલીઓ ભેગા ન કરવા વિનંતી કરવામાં આવી છે. સરકારે કહ્યું કે આ કાયદો અને વ્યવસ્થા માટે મોટો ખતરો છે, પંજાબ સરકારે આના પર કાર્યવાહી કરવી જોઈએ અને તેમને ત્યાં રોકવા જોઈએ. જોકે, હાઈકોર્ટે આ અંગે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

વિરોધમાં મોટા ખેડૂત નેતાઓ આગળ રહેશે: પંઢેર
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે કહ્યું હતું કે અમે હવે નક્કી કર્યું છે કે કોઈ યુવા ખેડૂત મજૂર આગળ નહીં વધે. મોટા ખેડૂત નેતાઓ જ આગળ વધશે. વધુમાં પંઢેરે કહ્યું કે અમે શાંતિથી આગળ વધીશું. જો સરકાર પ્રહાર કરશે તો અમે ખાલી હાથ રહીશું. સરકાર અમારા પર હુમલો કરવા તૈયાર છે. બીજી બાજુ હરિયાણા પોલીસે ખેડૂતોને ભારે મશીન ઉપલબ્ધ કરાવનારાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. પોલીસે કહ્યું છે કે કૃપા કરીને પ્રદર્શનકારીઓને તમારા સાધનો આપવાની સેવાઓ કરશો નહીં અને વિનંતી કરી કે વિરોધ સ્થળ પરથી આ મશીનોને દૂર કરો. આ મશીનોનો ઉપયોગ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે. આ બિનજામીનપાત્ર ગુનો છે.

ટ્રાફિક પોલીસની એડવાઈઝરી, ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે
ભારતીય કિસાન યુનિયનની પદયાત્રાના કારણે આજે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસની એડવાઈઝરી મુજબ ભારતીય કિસાન યુનિયન ટિકૈત જૂથ ટ્રેક્ટર અને ખાનગી વાહનો સાથે નોલેજ મેટ્રો સ્ટેશન પર એકત્ર થશે અને ત્યારબાદ એક્સપોમાર્ટ ગોલચક્કર, બડા ગોલચક્કર, શારદા ગોલચક્કર, એલજી ગોલચક્કરથી માઉઝર બીયર ગોલચક્કર અને માઉઝર બીયર ગોલ ગોલચક્કરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા પદયાત્રા કરશે.ડીસીપી ટ્રાફિક અનિલ યાદવનું કહેવું છે કે લોકોને સરળ ટ્રાફિક વ્યવસ્થા પૂરી પાડવા માટે ગલગોટિયા કટ, પરિચોક, એલજી ગોલચક્કર, માઉઝર બીયર ગોલચક્કર, દુર્ગા ટોકીઝ ગોલચક્કર અને સૂરજપુર ચોક પરથી જરૂર પડ્યે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

ખેડૂતોએ બનાવી લીગલ ટીમ
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે શંભુ બોર્ડર પર કહ્યું કે તેમણે એમએસપીની માંગને લઈને તેમની એક કાનૂની ટીમ પણ બનાવી છે. આ ટીમમાં એડવોકેટ અખિલ ચૌધરીને કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટીમમાં એડવોકેટ પંકજ શિયોરાન, અદિતિ શિયોરાન, વર્તિકા ત્રિપાઠી, મોહિત તોમર અને કપિલ કુહાડ પણ સામેલ થયા છે. બીજી બાજુ ખેડૂત માર્ચને લઇને ખેડૂતો પુરી તૈયારી કરીને આવ્યા છે. શંભુ પર એકઠા થયેલા યુવાનો પાસે ટીયર ગેસના શેલથી બચાવવા માટે માસ્ક લઇને આવ્યાં છે. માટી ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ પણ એકત્ર કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, અમે ભારે મશીનરીની મદદથી સિમેન્ટના બનેલા ભારે બેરિકેડ્સને તોડી નાખશે, પરંતુ જો હજુ પણ જરૂર પડશે તો આ માટીની થેલીઓ નદીમાં નાખીને હંગામી પુલ બનાવવા માટે પ્લાન બી પણ તૈયાર છે, દિલ્હી કૂચમાં કોઈ પણ સંજોગોમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે.

પંજાબ-હરિયાણા બોર્ડર પર 14000 લોકોની ભીડ
કેન્દ્ર સરકારે અનુમાન લગાવ્યું છે કે પંજાબ-હરિયાણા બોર્ડર પર 1,200 ટ્રેક્ટર-ટ્રોલીઓ, 300 કાર, 10 મિની બસો ઉપરાંત નાના વાહનો સાથે લગભગ 14,000 લોકો એકઠા થયા છે. પંજાબ સરકારને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાનો વિષય છે અને કાયદો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. બીજી બાજુ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ખેડૂતો જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેના પર વાંધો ઉઠાવતા કહ્યું કે મોટર વાહન અધિનિયમ હેઠળ હાઈવે પર ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરી શકાતો નથી. હાઈકોર્ટે પંજાબ સરકાર પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે શા માટે પ્રદર્શનકારીઓને મોટી સંખ્યામાં ભેગા થવા દેવામાં આવી રહ્યા છે. પંજાબ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકો મોટી સંખ્યામાં એકઠા ન થાય.