November 11, 2024

વરસાદથી તબાહી! દિલ્હીમાં પૂરનો ખતરો, UP-બિહારમાં રેડ એલર્ટ

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પણ વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગે આ સપ્તાહના અંતમાં દિલ્હી-NCRમાં વરસાદની ચેતવણી જારી કરી છે. યમુના નદીના જળસ્તર વધવાને કારણે દિલ્હીમાં પૂરનો ખતરો છે. શનિવારે ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાને કારણે જાનમાલનું નુકસાન થયું છે.

દિલ્હીમાં શનિવાર અને રવિવારે વરસાદ પડશે. અહીં સવારથી જ આકાશ વાદળછાયું છે. ઘણા વિસ્તારોમાં ઘેરા ઘનઘોર વાદળો પડાવ જમાવી રહ્યા છે, ગમે ત્યારે ભારે વરસાદ પડી શકે છે. અહી ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં બેથી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં પૂરનો ખતરો
પહાડો પર પડી રહેલા વરસાદે દિલ્હીના લોકો માટે પણ મુશ્કેલી ઉભી કરી છે. ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર વધી ગયું છે, જેના કારણે દિલ્હી પર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. હથનીકુંડ બેરેજમાં વધુ પાણી આવવાને કારણે તેને દિલ્હી માટે છોડવું પડ્યું છે. આ પાણી ઓખલા બેરેજ તરફ આવશે. જેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર પૂરની શક્યતા છે. જો કે, આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, દિલ્હી સરકારે ઘણા મોટા દાવા કર્યા છે. ઉપરાંત ગત વર્ષે સર્જાયેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને તૈયારીઓ પૂર્ણ કરવાની વાત છે.

યુપી-બિહારમાં વીજળી પડવાની ચેતવણી
ઉત્તર પ્રદેશના 40 જિલ્લામાં વરસાદની સાથે વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યની રાજધાની લખનૌ, આગ્રા, વારાણસી, મૈનપુરી, રાયબરેલી, મુઝફ્ફરનગર, મેરઠ ગાઝિયાબાદ, અલીગઢ, મથુરામાં વીજળી અને વરસાદની ચેતવણી આપી છે. IMD અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ભારે વરસાદને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ છે. વરસાદથી ડાંગર, મકાઈ, બાજરી જેવા પાકોને સારો ફાયદો થવાની ધારણા છે. વીજળી, જોરદાર તોફાન અને વરસાદને લઈને બિહારના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. અહીં વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ઘણા લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશની હાલત સૌથી ખરાબ છે. અહીં વરસાદના કારણે બનેલી ઘટનાઓમાં 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક પુલ ધરાશાયી થયા છે. નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં પણ સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. હવામાન વિભાગે રાજધાની દેહરાદૂન સહિત 5 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

કેરળમાં વરસાદે મચાવી તબાહી
કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ છે. વાયનાડમાં ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં હજુ પણ મૃતદેહો શોધવાની પ્રક્રિયા ચાલુ છે. રાહત કાર્ય માટે ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. અહીં વરસાદને કારણે બચાવ કામગીરીમાં ઘણી વખત અવરોધ ઉભો થયો હતો. 250થી વધુ ઘાયલોની અનેક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.