November 23, 2024

સુરતમાં ફેક કોલ સેન્ટર પર સાયબર ક્રાઇમ સેલના દરોડા, 10 લોકોની કરાઇ ધરપકડ

અમીત રૂપાપરા, સુરત: લર્ન એન્ડ અર્ન નામે ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી જોબ પોર્ટલ પર બેરોજગાર વ્યક્તિઓનો ડેટા મેળવી આ લોકોને ઘરેથી કામ કરવાની લાલચ આપી અને સારા પૈસા મળશે તેવું જણાવીને ઓનલાઇન કોર્સ કરવાની લાલચમાં ફસાવી લોકોને ગ્રાહક કોર્ટમાંથી ફરિયાદની ધમકી આપી તેમની પાસેથી પૈસા પડાવતા કોલ સેન્ટર પર સુરત સાયબર ક્રાઇમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન સાયબર ક્રાઇમેં મહિલા સહિત 10 આરોપીની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરત શહેરમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી સુરત સાઇબર ક્રાઈમને મળી હતી. આ કોલ સેન્ટરમાં લોકોને ફોન કરી નોકરી આપવાની લાલચ આપી ત્યારબાદ તેમની પાસેથી પૈસા પડાવવા કોર્સની ફી નહીં ભરી હોવાનું જણાવી આઇપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કરી લીગલ કાર્યવાહી કરવાનો ડર બતાવી લોકો પાસેથી બળજબરીથી વધારે પૈસા પડાવવામાં આવતા હતા. સાયબર ક્રાઇમ દ્વારા આ કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને કોલ સેન્ટરમાંથી મહિલા સહિત 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સાયબર સેલ પોલીસ દ્વારા શૈશવ ચૌહાણ, કુશલ પાંડે, ખુશ્બુ ભાલોડીયા, મુકેશ તંબાકુવાલા, પ્રશાંત શ્રીવાસ, આશિષ પટેલ, મયંક કુમાર, શહેઝાદ અલી, રવિ સહાની અને કૌશલ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઈસમો સુરતના રહેવાસી છે. તો મુખ્ય આરોપી પ્રવીણ સિંહ અને અભય શારદાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે 10 આરોપી પકડાયા છે તેમાં શૈશવ ચૌહાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયો છે. આ તમામ ઈસમો પાસેથી પોલીસને 59 મોબાઈલ, 3 લેપટોપ, 1 સીપીયુ, 12 અલગ અલગ કંપનીના ડેબિટ કાર્ડ, 30 સીમકાર્ડ, 7 ચેકબુક, 2 પાસબુક અને એક રાઉન્ડ સીલ મળી આવ્યું છે.

આરોપીઓની એમો એવી હતી કે પકડાયેલા તમામ આરોપીઓ પોતાના આર્થિક રીતે સધ્ધર થવા માટે અલગ અલગ રાજ્યમાં વસતા લોકોને વર્ક ફ્રોમ હોમની લાલચ આપતા હતા. લર્ન એન્ડ અર્ન એપ્લિકેશન ઉપર આ ઈસમોને રજીસ્ટ્રેશન કરાવવામાં આવતું હતું. ત્યારબાદ તેમની ડિજિટલ સહી અને સેલ્ફી અપલોડ કરવાનું કહેવામાં આવતું હતું અને જેના આધારે ભોગ બનાના ફોટા અને ડિજિટલ સહી સાથેનો એક ઓથોરાઇઝેશન લેટર તૈયાર થતો હતો અને ત્યારબાદ કંપનીના અર્નીંગ પ્રોસેસ વાળી એપ્લિકેશન લિંક પીડીએફ અને વિડીયો મોકલવામાં આવતા હતા. ત્યારબાદ લોકોને દરરોજ ઓનલાઇન સ્પોકન ઇંગલિશ પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ કોડિંગના કોર્સની લીંક મોકલવામાં આવતી હતી. આ તમામ કોર્સ સૌપ્રથમ છ દિવસ માટે ફ્રી આપવામાં આવતો હતો અને ત્યારબાદ 6000 રૂપિયા અને 18% જીએસટી આમ કુલ 7079 કસ્ટમર પાસેથી લેવામાં આવતા હતા. જે કસ્ટમરની ફી બાકી હોય તે કસ્ટમરને એક વોર્નિંગ મોકલવામાં આવતી હતી અને આ કસ્ટમર પર કન્ઝ્યુમરમાં કેસ કરવામાં આવ્યો હોવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તેમની પાસેથી વધારે પૈસા પડાવવામાં આવતા હતા.

જેમાં પકડાયેલા દસ આરોપીઓ ભોગ બનનારોને ખોટી રીતે ફોન કરીને ધમકીઓ આપતા હતા અને કેસ ન કરવા માટે 44 હજાર રૂપિયા ચૂકવવાનું પણ જણાવતા હતા. આ ઉપરાંત ગ્રાહક કોર્ટમાં કેસ કરી આઈપીસી ની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવાની પણ ધમકી આપતા હતા. આ સમગ્ર મામલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનાહિત ઇતિહાસની પણ તપાસ સાઈબર સેલ દ્વારા કરવામાં આવશે. તો પોલીસની તપાસમાં સામે આવી છે કે અત્યાર સુધીમાં આ લોકો હજારો લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા છે અને કેટલી છેતરપિંડી થઈ છે તેની રકમ આગામી દિવસોમાં તપાસ બાદ જ જાણવા મળશે.

મહત્વની વાત એ છે કે કોલ સેન્ટર ચલાવનાર વ્યક્તિઓ છેલ્લા બે વર્ષમાં પોતાના આ કામ પાછળ બે કરોડ કરતાં વધારે રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે અને તે 50 જેટલા કર્મચારીઓને કામ પર રાખતા હતા અને 9000 જેટલો પગાર દરેક કર્મચારીને કોઈપણ પુરાવા ન મળે એટલા માટે કર્મચારીને રોકડા રૂપિયા પગારમાં આપવામાં આવતા હતા. જે 10 ઈસમો લોકોને માનસિક રીતે ટોર્ચર કરતા હતા અને કેસની ધમકી આપતા હતા તે અલગથી પોતાની ચેમ્બરમાં કામ કરતા હતા. મહત્વની વાત એ છે કે જે લોકોને કોલિંગ સ્ટાફ તરીકે નોકરી આપવામાં આવતી હતી તે તમામ ગ્રેજ્યુએશન અથવા તો ઓછું ભણેલા હતા અને તેમને અંગ્રેજીમાં એક સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી અને તેથી તે અન્ય રાજ્યના લોકો સાથે અંગ્રેજી ભાષામાં વાત કરતા હતા.