દિલ્હી સહિત દેશના 5 રાજ્યોમાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય નથી, બે રાજ્યમાં માત્ર એક-એક બેઠક

Congress Zero Seat: દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની બેઠકો ફાળવી નાખી છે, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ ફેરફાર થયો નથી. 70 વિધાનસભા બેઠકો ધરાવતી દિલ્હીમાં કોંગ્રેસને ‘ઝીરો’ બેઠકો મળી છે. જોકે, દિલ્હી એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા શૂન્ય છે. દેશના 5 રાજ્યોમાં કોંગ્રેસ પાસે એક પણ ધારાસભ્ય નથી. આમાં આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.
આંધ્રપ્રદેશી 175 બેઠકોમાં કોંગ્રેસ પાસે શૂન્ય બેઠક
આંધ્રપ્રદેશમાં મે 2024માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી. પાર્ટીના મોટાભાગના ઉમેદવારો ત્રીજા સ્થાને આવ્યા અથવા તેમની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ.
આંધ્રપ્રદેશમાં NDA ગઠબંધન પાસે 164 ધારાસભ્યો છે. જ્યારે વિપક્ષી YSR પાસે 11 ધારાસભ્યો છે. રસપ્રદ વાત એ છે કે, 2014 સુધી આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં હતી.
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પણ કોંગ્રેસ શૂન્ય
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 294 બેઠકો છે. અહીં મે 2021માં ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે અહીં ડાબેરી મોરચા સાથે ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શકી ન હતી. બંગાળમાં પહેલી વાર કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને પાર્ટી પાસે 224 ધારાસભ્યો છે. વિપક્ષ ભાજપ પાસે અહીં 66 ધારાસભ્યો છે.
2022માં કોંગ્રેસે મુર્શિદાબાદમાં સાગરદીઘી બેઠક પણ જીતી હતી, પરંતુ ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસમાં જતા રહ્યા હતા. આ પછી કોંગ્રેસ અત્યાર સુધી બંગાળમાં થયેલી એક પણ પેટાચૂંટણી જીતી શકી નથી.
સિક્કિમમાં 32 બેઠકો, બધી NDA પાસે
સિક્કિમમાં કુલ 32 વિધાનસભા બેઠકો છે. એક સમયે કોંગ્રેસ અહીં મજબૂતી સાથે સત્તામાં હતી, પરંતુ હવે સિક્કિમમાં તેની પાસે એક પણ બેઠક નથી. સિક્કિમમાં પણ કોંગ્રેસ શૂન્ય પર ઉભી છે. સિક્કિમની બધી 32 બેઠકો સિક્કિમ ક્રાંતિકારી મોરચાના કબજામાં છે. SKM અહીં ભાજપ સાથે ગઠબંધનમાં છે.
નાગાલેન્ડમાં પણ કોંગ્રેસના હાથ ખાલી
નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. અહીં ફેબ્રુઆરી 2023માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. કોંગ્રેસ પાર્ટી અહીં એક પણ બેઠક જીતી શકી નથી. નાગાલેન્ડમાં NDPP પાસે 25 ધારાસભ્યો છે. BJP પાસે 12, NCP પાસે 7, NPP પાસે 5, LJP (R) પાસે 2 અને RPI પાસે 2 ધારાસભ્યો છે.
આ ઉપરાંત નાગાલેન્ડમાં NPFના 2 અને 5 અપક્ષ ધારાસભ્યો છે. રસપ્રદ વાત એ છે કે નાગાલેન્ડમાં બધા જ પક્ષો સરકારનો ભાગ છે. અહીં કોઈ વિરોધી નથી.
ત્રણ પૂર્વોત્તર રાજ્યોમાં એક-એક બેઠક
અરુણાચલ વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. આ પૂર્વોત્તર રાજ્યમાં NDA પાસે 59 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય છે. તેવી જ રીતે મેઘાલય અને મિઝોરમમાં કોંગ્રેસના એક-એક ધારાસભ્ય છે.
તેવી જ રીતે મણિપુર અને પુડુચેરીમાં કોંગ્રેસના બે-બે ધારાસભ્યો છે. પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર હતી. મણિપુરમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો.