October 5, 2024

દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે અને ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત: CM ભૂપેન્દ્ર પટેલ

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં માટે આજનો દિવસ ખૂબ અગત્યનો રહ્યો છે. કારણ કે આજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન’ગ્રોથ હબ સુરત બનશે. ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના આ 6 જિલ્લાઓના બનેલા સુરત ઈકોનોમિક રિજીયનના ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

સુરતના ડુમસ રોડની લી મેરેડીયન હોટેલ ખાતે યોજયેલા લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમ બાદ છ સેશનમાં ઈકોનોમિક રિજીયન, અર્બન, હાયર એજયુકેશન, પ્રવાસન, સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બાઝાર જેવા વિષયો પર સેમિનારો યોજાયા. જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકતાઓ, તજજ્ઞોએ સંબોધન કર્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસો., સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એકવા ફાર્મિંગ, GIDC ના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનિય છે કે, સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ, કુટિર, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોય, મુખ્યમંત્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો.હસમુખ અઢિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકામાં ઘટતા વ્યાજ દરનું ભારત માટે શું મહત્ત્વ? 5 પોઈન્ટમાં સમજો બધુ

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આખા દેશના 4 રાજ્યોને આમાં પસંદ કરવામાં આવ્યા, જેમાં મુંબઇ, વારાણસી, ગુજરાત અને વિશાખાપટ્ટનમ છે. પણ આજે એવું કહેવું પડે કે વિકાસના ગ્રોથમાં હવે સુરતને બાકાત નહીં કરી શકો. અહીંયા પહેલું પ્લેન શરૂ કરવા સુરતના લોકોએ 3 કરોડ રૂપિયા એરઇન્ડિયાને આપ્યા હતા. આગામી દિવસોમાં 100 પ્લેન શરૂ થશે. આ ફલાઈટને શરૂ રાખવા માટેની સુરતના લોકોની સક્ષમતા છે. આખા દેશની અંદર મેડિકલ ડિવાઇસ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં છે અને ખાસ કરીને સુરતમાં છે. આમા વધારે કોઈ ધ્યાન નથી આપતું એટલા માટે આ ખૂબ નાના ક્ષેત્રમાં ચાલે છે. વલસાડના હાંફુસને યાદ કર્યા વગર લોકો ક્યારેય ન રહી શકે. ઇન્દ્રસ્ટ્રીઝના કારણે ઘણા પોલ્યુશનનો સામનો પણ લોકો કરવો પડ્યો. લોકો વાત કરે છે કે સુરતમાંથી ઘણી ઇન્ડસ્ટ્રીઝ બહાર જઈ રહી છે પણ હું દાવા સાથે કહું છું કે કોઈ વ્યક્તિ સુરતમાંથી પોતાનો ધંધો છોડીને ન જાય. કારણ કે અહીંયા ખૂબ સારું વાતાવરણ છે એક નાની એવી પેપરની ચબરખી પર કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે. સુરત દેશનું એક એવું સિટી છે કે જેમાં આગામી 50 વર્ષ સુધી પાણીની સમસ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આખા રાજ્યમાં પ્રથમ મહાનગરપાલિકા સુરત એવી છે કે જેમનું 29 માળનું બિલ્ડીંગ બની રહ્યું છે. આવા 2 બિલ્ડીંગ બની રહ્યા છે. એટલે મીની સચિવાલય પણ સુરતના ગુજરાતમાં બનશે. આ ઉપરાંત વોટર જમીનમાં ઉતારવા માટે 80000 બોરનું કમિટમેન્ટ ગઈ કાલ સુધીમાં મળ્યું છે. આ મોડેલ ગુજરાતનું છે તેને દેશ સમક્ષ લઇ જવાનું છે. બિલ્ડરોને અનુકૂળતા થાય તેવી પોલિસી બને અને લોકો માટે રહેવા લાયક સુવિધા ઉભી થાય તેવું આયોજન મોદી સાહેબે કર્યું છે. આ યોજનામાં ગુજરાત અને સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે અને ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સરકાર તમારી સાથે છે તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડવા દઉં. નરેન્દ્ર મોદીના સફળ સાસન કાળના ભારત વિશ્વની 5મી આર્થિક મહાસતા બન્યું છે. હવે ત્રીજી ટર્મમાં ત્રીજી આર્થિક મહાસતા બનવા તરફ દેશ આગળ વધી રહ્યો છે. 1960માં ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે લોકો કહેતા ગલી, રણ અને પર્વત ધરાવતું ગુજરાત શુ વિકાસ કરવાનું હતું. દાયકાઓ સુધી આ કામ ન થયું. ત્યારબાદ 2001થી ગુજરાતને એવા વિઝનરી મુખ્યમંત્રી મળ્યા જેનું પરિણામ આજે મળ્યું. અગાઉના દાયકાનો વિકાસ અને 2001 પછીનો વિકાસ અલગ રીતે દેખાઈ આવે છે. સુજલામ, સુફલામ અને સૌની યોજનાં થકી ગામે ગામે જળક્રાતિ થઇ. વાઇબ્રન્ટ સમીટથી ગુજરાતને રોજગારી મળી. ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું. આગામી 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખીને નીતિ આયોગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના વિકાસ માટેનો પ્લાન તૈયાર કર્યો છે. આ માસ્ટર પ્લાનની મદદથી લોકોને વર્લ્ડ કલાસ ફેસિલિટી મળશે. આ માટેનો રોડ મેપ 2047 નિતી આયોગની મદદથી બનાવનાર દેશનું સુરત પહેલું સીટી છે. ગુજરાતને આપણે 2047 સુધીમાં 3.5 ટ્રીલિયનની ઇકોનોમી બનાવીશું.