December 6, 2024

CM ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય, કલેક્ટરને સોંપી પ્રીમિયર વસૂલાતની સત્તા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પર્ચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર, જે જમીનોનું વેલ્યુએશન 50 લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પર્ચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે.

આવા પર્ચેઝર્સની અરજીની વધુ સંખ્યા તેમજ તેના પરિણામે મંજૂરી પ્રક્રિયામાં વિવિધ તબક્કે અરજીઓની વિચારણામાં વ્યતિત થતો સમય નિવારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તા વિકેન્દ્રીકરણના હેતુસર મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સને ચરિતાર્થ કરવા જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા સોંપણીમાં ફેરફાર કરવાનો આ નિર્ણય કર્યો છે. તદ્અનુસાર, મહેસૂલ વિભાગના તા.૧૭/૦૩/૨૦૧૭ના ઠરાવ મુજબ બોનાફાઈડ પર્ચેઝરના કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાઓ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ લોકાભિમુખ નિર્ણયને પરિણામે બોનાફાઇડ પરચેઝર્સની અરજીઓનો ઝડપથી નિકાલ થતાં સમગ્ર કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને પરિણામે વિકાસ પ્રક્રિયાને પણ વેગ મળશે.