October 6, 2024

43 ધારાસભ્યોને રોડ-રસ્તાના કામો માટે વધારાની 2-2 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, CMનો નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડ-રસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ, રાજ્યની તમામ મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને મળશે કુલ 86 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવાશે.

મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.

મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.

આ પણ વાંચો: અમરેલીમાં ભારે વરસાદથી તારાજી, કપાસ-મગફળી સહિતનો પાક નિષ્ફળ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે. એટલું જ નહીં, માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે. મહાનગરપાલિકાઓએ સંબંધિત ધારાસભ્યોના પરામર્શમાં રહીને આ ગ્રાન્ટમાંથી કામો હાથ ધરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.