September 27, 2024

HNGUમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, 4 લોકોની અટકાયત

ભાવેશ ભોજક, પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના વહીવટી ભવન ખાતે આજે બે જૂથો વચ્ચે અગમ્ય કારણોસર સામસામે હથિયારો સાથેની મારામારી થતા યુનિવર્સિટીમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ચાર જેટલા યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મોમાં જોવા મળતા મારામારીના દ્રશ્યો આજે યુનિવર્સિટીમાં જોવા મળતા વિધાર્થીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

પાટણ ટીબી ત્રણ રસ્તા પાસે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. જેમાં ઉર્વીન જોશી નામના યુવકને હાથ તેમજ પગના ભાગે હથિયારથી ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવાનને ઇજાઓ પહોંચી હોવાની જાણ તેના અન્ય મિત્રોને થતા તેઓ ટીબી ત્રણ રસ્તા ખાતે દોડી આવ્યા હતા.

વિદ્યાર્થીના બંને જૂથો ઝગડતા ઝઘડતા યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે આવી પહોચ્યા હતા જ્યાં ઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર છુટા હાથની મારામારી થવા પામી હતી .

આ ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસ ખાતે અફરતફડી થઈ જવા પામી હતી ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ તાત્કાલિક યુનિવર્સિટી ખાતે દોડી આવી હતી અને ચાર જેટલા લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હેમચંદ્રાચાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે થયેલી છુટા હાથની મારામારી ને લઈને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. ત્યારે વિદ્યાર્થીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. HNGUમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા નક્કર પગલા ભરવામાં આવે તે જરૂરી છે.