October 11, 2024

કોલેરાગ્રસ્ત Palanpur: કોટ વિસ્તારમાં દુષિત પાણીને લઇ મોટો ઘટસ્ફોટ

રતનસિંહ ઠાકોર, પાલનપુર:  છેલ્લા કેટલાક દિવસથી પાલનપુર કોટ અંદરના વિસ્તારમાં રોગચાળાએ ભરડો લીધો છે. આ વચ્ચે ફરી એક વખત હવે પાલનપુરના કોટ વિસ્તારમાં 19 ઝાડા ઉલ્ટીના કેસ આવ્યા છે. જેને લઇને તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે કોટ અંદરના વિસ્તારમાં પાણીના ટેન્કરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમજ ટેન્કરોમાં પણ દુષિત પાણી આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મળતી માહિતી અનુસાર પાલનપુરના કોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ટેન્કર રોકાવી પાણીના સેમ્પલ લીધા હતા અને રિપોર્ટ કર્યો હતો જે બાદ માલુમ પડ્યું હતું કે ટેન્કરોમા આવતું પાણી દુષિત છે. આરોગ્ય વિભાગે ટેન્કરમાં ક્લોરીનેશનની પ્રક્રિયા અને બોર સીલ કરવા કવાયત હાથ ધરી હતી. નોંધનીય છે કે કોટ અંદરના વિસ્તારમાં લગ્ન પ્રસંગે પાણીનું ટેન્કર લવાતું હતું. આ સિવાય ખાનગી બોરમાં પણ દુષિત પાણી આવી રહ્યું છે. જોકે, આરોગ્ય વિભાગની તપાસમાં પાણીનું સેમ્પલ ફેલ થયું હતું.

આ પણ વાંચો : પાલનપુરના 16 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, 4નાં મોત થયા હોવાનો સ્થાનિકોનો દાવો

કોલેરાને નિયંત્રણમાં લેવા રાજગઢી ટાંકીનું પાણી તંત્રએ બંધ કર્યું છે. તેમજ શહેરમાં ઠંડા પીણા સહિત અન્ય વસ્તુઓ બંધ બાદ પણ કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આ સિવાય વિસ્તારમાં તંત્રની અલગ અલગ ટીમો મુકાઈ છતાં ગંદકી યથાવત છે. દિવસેને દિવસે પાલનપુરના કોટ વિસ્તારમાં વધતા કેસોને લઇ શહેરીજનો ચિંતામાં મૂકાયા છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના કલેક્ટરે પાલનપુરના કોટ વિસ્તારમાં 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને જાહેરનામું બહાર પાડ્યું છે. 3 જૂને ન્યૂઝ કેપિટલ દ્વારા કોટ વિસ્તારની પરિસ્થિતિ બતાવી અને આ વિસ્તાર કોલેરાગ્રસ્ત થશે, તેવી દશરથ વ્યક્ત કરી હતી. ત્યારે 30 જેટલા લોકો સારવાર હેઠળ હતા. અત્યારે 150 જેટલા લોકોને અસર થઈ હતી, પરંતુ ત્રણ જૂન બાદ તંત્રની કોઈ કાર્યવાહી ન થતા અત્યારે કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો છે અને 150થી વધુ લોકો સારવાર હેઠળ છે. જ્યારે ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. 30 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગની નવ ટીમો કોટ વિસ્તારના 16 જેટલા વિસ્તારના સરવે કરી રહી છે અને પાલનપુર નગરપાલિકાએ હવે સફાઈની કામગીરી હાથ ધરી છે. સ્થાનિકોના મત પ્રમાણે નગરપાલિકાની નિષ્ક્રિયતા છે. કારણ કે અહીં સાફ સફાઈ અને વર્ષો સુધીની રજૂઆત છતાં ધ્યાન આપવામાં આવતું નથી અને જેના કારણે અત્યારે આ કોલેરાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારબાદ હવે તંત્ર મોડું મોડું દોડતું થયું છે અને કાર્યવાહી હાથ ધરી છે.