છોટા ઉદેપુરમાં ચોરોની દહેશત, લોકો ઉજાગરા કરીને પહેરો ભરે છે
નયનેશ તડવી, છોટાઉદેપુરઃ જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા માણીબિલી વસાહતમાં ગામના લોકો રાત્રી દરમિયાન ચોરો આવતા હોવાની દહેશતનાં કારણે જાગીને ગામની પહેરેદારી કરી રહ્યા છે. આખા જિલ્લામાં રાત્રી દરમિયાન ચોરો આવે છે તેવી દહેશતના કારણે ગામના નાના ભૂલકાંઓથી લઈને વૃદ્ધ સુધીના લોકો રાત્રી દરમિયાન ઘરમાં ઉંઘવામાં ડરે છે. જેથી ગામના લોકો રાત્રી દરમિયાન જાગીને પહેરેદારી કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 20 દિવસથી રાત્રી દરમિયાન ચોરો આવતા હોવાની દહેશત ફેલાઈ ગઈ છે. આખા પંથકનાં લોકોમાં ચોરો આવતા હોવાની દહેશતના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગામમાં લોકો રાત્રી દરમિયાન આખી રાત જાગીને ગામની પહેરેદારી કરી રહ્યા છે. સંખેડા તાલુકાના પરવેટા માણીબિલી વસાહતમાં પણ ગામના લોકો રાત્રી દરમિયાન ઉજાગરા કરીને પહેરેદારી કરી રહ્યા છે. આ ગામમા ગત રાત્રિએ મળસ્કે ચાર વાગ્યાના અરસામાં ચોરો દેખાયા હતા. તેવું ગામ લોકોનું કહેવું છે. જેથી આખું ગામ ભેગું થઈ ગયું હતું. આવા બનાવો બનવાના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામમાં નાનાથી લઈને વૃદ્ધ સુધીના લોકો રાત્રે ઘરમાં ભયના કારણે ઉંઘી પણ શકતા નથી. ગામના લોકો સમી સાંજથી સવાર સુધી લોકો જાગીને પહેરેદારી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, હર્ષ સંઘવી મુલાકાત લેશે
કવાંટ તાલુકાના પીપલડા ગામે થોડા દિવસો અગાઉ ચોરોએ ચોરી કરવાના ઈરાદે દંપતીને મોત ઘાટ ઉતારી પગ કાપી નાખી ચાંદીના કડલાં ચોરી કરી ગયા હતા. જો કે, તે ચોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પરંતુ આ દહેશતના કારણે ગામોમાં લોકો રાત્રી દરમિયાન જાગીને હવે ચોકીદારીઓ કરી રહ્યા છે.
પાવી જેતપુર તાલુકાના તારાપુર વિસ્તારમાં રાત્રી દરમિયાન ચોરો ત્રાટક્યા હતા અને મકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. તારાપુર ગામના રહીશ રાઠવા ગોવિંદભાઈ ભીલુભાઈના મકાનમાં તાળું તોડી ઘરમાં ઘૂસ્યા હતા. તાળું તોડ્યા બાદ ખખડાટ થતા એકાએક પાડોશમાં ખબર પડતાં ચોરો ભાગી ગયા હતા.
બોડેલી તાલુકાના ભોરદા ગામનાં મંદિરમાં રાત્રી દરમિયાન ચોરો ચોરી કરવા માટે ગામના મંદિરમાં આવ્યા હતા. ચોરો માત્ર ચડ્ડીધારી ચોરો હાથમાં તીક્ષ્ણ હથિયારો લઈને મંદિરમાં ઘૂસ્યા હતા. તે ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. આજુબાજુ તે ચોરો શોધખોળ કરતા હતા પરંતુ કંઈ મળ્યું નહીં. આવા ચોરોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બોડેલી તાલુકાના ગૈડિયા ગામે કમલેશભાઈ રસિકભાઈના રાઠવાના ઘર પાસે ત્રણ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. એ ઈસમો દ્વારા કમલેશભાઈ રાઠવાને તીક્ષ્ણ હથિયાર દ્વારા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને કારણે ગામડાઓમાં ચોરો હથિયારો લઈને આવતા હોવાથી દહેશતના કારણે ગામના લોકો દંડા, પાળિયા, ધારિયા જેવી જ વસ્તુઓ લઈ ગામની પહેરેદારી કરી રહ્યા છે. જિલ્લામાં આવી ઘટનાઓ બનવાના કારણે ગામોમાં લોકો રાત્રી દરમિયાન જાગીને ઉજાગરા કરી રહ્યા છે.