October 5, 2024

Budget 2024: જાણો મોદી સરકારના છેલ્લા બજેટ સત્ર 2.0માં શું હશે ખાસ?

નવી દિલ્હી : આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. વચગાળાના બજેટ પહેલા સરકાર આર્થિક સર્વે રજૂ કરશે. સંસદમાં હંગામો અને અભદ્ર વર્તનનો આરોપ લગાવનારા સાંસદોના કેસમાં વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ લોકસભા અને રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે. સંસદના બજેટ સત્રની શરૂઆત માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા સંસદ ભવન માટે રવાના થઈ ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શાહી બગીમાં સવાર અંગરક્ષકો સાથે નવા સંસદ ભવન પહોંચ્યા અને સંસદની લોકસભામાં પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ સિવાય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને પીએમ મોદી પણ હાજર હતા. એક સંસદીય અધિકારી સેંગોલને તમામ દિગ્ગજ અધિકારીઓની આગળ લઈ જતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત બાદ રાષ્ટ્રપતિએ સાંસદોને સંબોધિત કર્યા હતા.

PM મોદીનો વિપક્ષ પર પ્રહાર
સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીનો નવો અવતાર જોવા મળ્યો હતો. સંસદ સત્રમાં મીડિયાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ‘રામ-રામ’થી કરી હતી. પીએમએ કહ્યું કે, વર્ષ 2024ના રામ-રામ. મિત્રો, સંસદની આ નવી ઇમારતમાં યોજાયેલા પ્રથમ સત્રના અંતે એક ખૂબ જ ગૌરવપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય છે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અને 26 જાન્યુઆરીએ આપણે જોયું કે કેવી રીતે દેશે કર્તવ્યના માર્ગે નારી શક્તિની શક્તિ, નારી શક્તિની બહાદુરી, નારી શક્તિની સંકલ્પ શક્તિનો અનુભવ કર્યો છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંબોધનમાં સરકારનું વિઝન જણાવ્યું
આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઇ છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે, રાષ્ટ્રપતિ સંસદમાં કેન્દ્ર સરકારની કામગીરી અને આર્થિક નીતિઓની રૂપરેખા રજૂ કરશે. સંબોધન બાદ સરકાર આજે આર્થિક સર્વે પણ રજૂ કરશે.

રાષ્ટ્રપતિના વિગતવાર સંબોધન પછી, અધ્યક્ષ ધનખરે ટૂંકમાં સિદ્ધિઓની ગણતરી કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક કલાક અને 13 મિનિટ સુધી ચાલેલા તેમના વિગતવાર ભાષણમાં સરકારની નીતિઓ અને વિઝનની રૂપરેખા આપી હતી. ત્યાર બાદ સંસદીય પ્રણાલીને અનુસરીને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે અંગ્રેજીમાં ટૂંકું સંબોધન કર્યું હતું.

પરીક્ષામાં થતી ગેરરીતિ અંગે કાયદો બનાવવાની તૈયારી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સરકાર પરીક્ષામાં ગેરરીતિઓ અંગે યુવાનોની ચિંતાઓથી વાકેફ છે અને પરીક્ષામાં ગેરરીતિઓને રોકવા માટે કાયદો ઘડવામાં આવશે. રાષ્ટ્રપતિએએ કલમ 370 અને વસાહતી ફોજદારી કાયદાની જગ્યાએ નવા કાયદા બનાવવા સહિત કેન્દ્ર સરકારના અન્ય ઘણા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો.

વ્યવસાય માટે સાનુકૂળ વાતાવરણ બનાવવાના પ્રયાસો
છેલ્લા 10 વર્ષમાં ભારતે રાષ્ટ્રીય હિતમાં એવા ઘણા કામો પૂરા કર્યાં છે જે દેશની જનતા દાયકાઓથી રાહ જોઈ રહી હતી. જો આપણે આજે અર્થતંત્રના વિવિધ પરિમાણો પર નજર કરીએ તો આત્મવિશ્વાસ વધે છે કે ભારત સાચી દિશામાં છે અને યોગ્ય નિર્ણયો લઈને આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું, ભારતમાં વેપાર કરવો સરળ બને અને તેના માટે યોગ્ય વાતાવરણ હોય તે સુનિશ્ચિત કરવા સરકાર સતત કામ કરી રહી છે.

દેશમાં પહેલીવાર ગરીબી દૂર થતી જોવા મળી રહી છે : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં ઉદ્યોગના લોકો માટે બનાવવામાં આવેલી યોજનાઓ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ ગણતરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ખેડૂતોને લાખો કરોડ રૂપિયાનો આર્થિક લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. કૃષિ ઉત્પાદનની નિકાસ પણ વધી રહી છે. તેમણે કહ્યું, ‘આપણે બધા બાળપણથી જ ગરીબી દૂર કરવાના નારા સાંભળતા આવ્યા છીએ. હવે આપણા જીવનમાં પહેલીવાર આપણે મોટા પાયે ગરીબી નાબૂદ થતી જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ‘રામ-રામ’થી કરી, વિપક્ષ પર નિશાન સાધ્યું

સુધારા, પ્રદર્શન અને પરિવર્તન માટેની પ્રતિબદ્ધતા અકબંધ
રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર ‘ન્યાય સર્વોપરી’ના સિદ્ધાંત પર કામ કરી રહી છે. દેશમાં ડિજિટલ ડેટાની સુરક્ષા માટે કાયદો બનાવવામાં આવી રહ્યો છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એક્ટ દેશમાં સંશોધન અને ઇનોવેશનને મજબૂત બનાવશે. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત અનામત કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સરકાર સુધારા, પ્રદર્શન અને પરિવર્તન માટેની તેની પ્રતિબદ્ધતામાં સફળતા હાંસલ કરી રહી છે.

સતત બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.5 ટકા
નવા સંસદ ભવનમાં પોતાના પહેલાં સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. સતત બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.5 ટકા હોવાનો ઉલ્લેખ કરતા તેમણે દેશની આર્થિક નીતિઓને ઉત્તમ ગણાવી હતી. વધુમાં ડિજિટલ ઈન્ડિયા જેવી પહેલની પણ પ્રશંસા કરી હતી.

દેશના ખૂણેખૂણેથી શહીદોના ગામડાઓમાંથી દિલ્હી લાવવામાં આવેલી માટીનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે અમૃત કલશને દિલ્હી લાવવું એ એક ઐતિહાસિક ક્ષણ હતી. આ માટે સરકારે મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કર્યું, જે પ્રશંસનીય છે.

આઝાદીના 75માં વર્ષમાં અમૃત મહોત્સવ
બંધારણના અમલીકરણની 75મી વર્ષગાંઠ પર દેશે ગુમનામ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. આઝાદીના 75માં વર્ષમાં અમૃત મહોત્સવની ઉજવણી કરીને દેશની યુવા પેઢીએ ફરી આઝાદીનો સમયગાળો જીવ્યો. આભારી રાષ્ટ્રે તેના સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરી.

વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે, સાંસદોનું ભવિષ્ય નક્કી થશે
આજે સવારે 11 વાગ્યાથી સંસદનું સત્ર શરૂ થયા બાદ વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વિશેષાધિકાર સમિતિનો અહેવાલ પણ બજેટ સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યસભામાં રજૂ થનારા આ રિપોર્ટમાં 11 સભ્યોના ભાવિનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ સાંસદો પર ગૃહની અંદર અભદ્ર વ્યવહારનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં 11 સાંસદો પર ગૃહની કાર્યવાહી ખોરવવા માટે પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવાનો આરોપ છે.

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી સીતારમણનું બજેટ ભાષણ
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારનું આ છેલ્લું બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વખતે રજૂ કરવામાં આવેલ હિસાબી અનુદાન બજેટ મૂળભૂત રીતે આગામી સરકારની રચના સુધી ખર્ચને પહોંચી વળવા માટે અંદાજપત્રીય ફાળવણી કરવાની કવાયત હશે. આર્થિક નિષ્ણાતોના મતે મોટા ફેરફારોની જાહેરાત થવાની શક્યતા નહિવત્ છે.