October 7, 2024

નર્મદા: ધોધમાર વરસાદ બાદ યાલ-બીતાડા ગામ નજીકનો જૂનો બ્રિજ ત્રણ ટુકડામાં ધ્વસ્ત

પ્રવિણ પટવારી, નર્મદા: નર્મદા જિલ્લામાં ગતરોજ સાતથી આઠ ઇંચ વરસાદ ખાબક્તા નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેના કારણે રસ્તાઓના ધોવાણ પણ થયા હતા. કરજણ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા મોવીથી ડેડીયાપાડા જતા યાલ-બીતાડા ગામ નજીક એક જૂનો બ્રિજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા તૂટી ગયો હતો તેના ત્રણ ટુકડા થઈ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. અને નેત્રંગ રોડ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

મોવીથી ડેડીયાપાડા જતા આજુબાજુના કેટલાક ગામના ગામજનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નાળું તૂટવાને કારણે 30થી 40 કિલોમીટર મીટર ફરીને જવાનો વારો આવ્યો છે. જેના માટે આ ફેરો ફરવાનાં ઈચ્છતા લોકો નદીના પાણીમાં ઉતરીને કે બાઈક પસાર કરીને સામે કિનારે જઈને મોવી પહોચી રાજપીપળા તરફ જઈ શેકે એટલા માટે તેઓ જીવના જોખમે આ નદી પાર કરી રહ્યા છે.

જો રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં વરસાદ પડ્યો હોય અને એના પાણીનો વહેણ વધી જાય તો આ નદી પસાર કરતા વ્યક્તિઓ તણાઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. આ બ્રિજ તૂટવાને કારણે વાહન વ્યવહાર બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પરંતુ ઘરનો જીવન જરૂરી સામાન લેવા સ્કૂલ-કોલેજમાં જતા સ્થાનિક લોકો જીવના જોખમે આ નદી પસાર કરીને જઈ રહ્યા છે.

જોકે આ બાબતે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ બ્રિજ બનતા વાર લાગે એના કરતા બાજુમાં બીજા ભુંગળા મૂકી અને એક ડાઈવર્ટ રુટ માર્ગ તૈયાર કરે તો થોડા દિવસોમાં આ મુખ્ય માર્ગ ચાલુ થઈ શકે છે.