December 13, 2024

BKU નેતા રાકેશ ટિકૈતે શંભુ સરહદને ‘પાકિસ્તાનની સરહદ’ ગણાવી

Rakesh Tikait on Farmers Protest: મેરઠ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા આવેલા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકારને ઘેરી હતી. આ દરમિયાન BKU નેતાએ કહ્યું કે કાં તો સરકાર સુધરે, નહીંતર જો અમે મેરઠ આવી શકીએ તો દિલ્હી પણ જઈ શકીએ છીએ. આ સાથે રાકેશ ટિકૈતે શંભુ બોર્ડરને ‘પાકિસ્તાનની સરહદ’ ગણાવી અને કહ્યું કિલ-કાંટા લગાવીને બોર્ડની આવી સ્થિતિ ઉભી કરી છે. વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો ઘણી મુશ્કેલીમાં છે, તેઓને નુકસાન પણ થઈ રહ્યું છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે આ આંદોલન ચાલુ જ રહેશે, વાતચીત દ્વારા જ ઉકેલ મળી શકે છે. બીજી બાજુ આ મુદ્દે સંયુક્ત કિસાન મોરચા (SKM) આવતીકાલે એક બેઠક યોજશે અને નક્કી કરશે કે આગળ શું કરવું. વધુમાં કહ્યું કે 14મી માર્ચે દિલ્હીનો કોલ છે પરંતુ તે દિવસે તે ટ્રેક્ટરથી નહીં જાય. 26 અને 27 ફેબ્રુઆરીએ હાઈવે પર ટ્રેક્ટર પાર્ક કરીને વિરોધ કરવાની વાત થઈ હતી. SKMને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે અને આવતીકાલે 40 સંગઠનોની બેઠક છે જેમાં નક્કી થશે કે શું કરવું, પરંતુ આંદોલન મોટું હશે.

નોંધનીય છે કે આજે SKM એ દેશના તમામ જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શન કરીને એક મેમોરેન્ડમ આપવાની જાહેરાત કરી હતી. પશ્ચિમ યુપીમાં ભારતીય કિસાન યુનિયનનું વર્ચસ્વ છે, તેથી અહીં જવાબદારી BKU પર હતી અને રાકેશ ટિકૈત આજે મુઝફ્ફરનગરને બદલે મેરઠમાં આંદોલનનું નેતૃત્વ કરવા આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં ઘૂસવા બાબતે પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી અને ખેડૂતોએ બેરિકેડ તોડી બળજબરીથી કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો હતો. ખેડૂત નેતા રાકેશ ટિકૈત ટ્રેક્ટરમાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બીજી બાજુ ખેડૂત સંગઠનોની દિલ્હી ચલો માર્ચને લઇને રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે દિલ્હી પોલીસે સુરક્ષા જવાનોને ટીકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદો પર કડક તકેદારી રાખવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીની સરહદ પર સુરક્ષા દળોની તૈનાત કર્યા બાદ રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.